ઈઝરાયલ-ફ્રાન્સ વચ્ચે ખેંચતાણ, ફ્રાન્સની ભલામણ પર નેતન્યાહુ વિફર્યા

October 06, 2024

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ  કહ્યું કે 'તમામ સભ્યો દેશો'એ ઈઝરાયલ સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ, કારણકે ઈઝરાયલ ઈરાનના નેતૃત્વ વાળી 'બર્બર શક્તિઓ' સાથે લડી રહ્યું છે. તેમણે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનના  ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાના આહવાનને શરમજનક  ગણાવ્યું છે. શનિવારે એક વિડીયો મેસેજ જારી કરતા વડાપ્રધાન નેતન્યાહુએ તેને શરમજનક ગણાવતા કહ્યું કે, આતંકની ધુરી એક સાથે ઉભી છે પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકની ધુરીનો વિરોધ કરી રહ્યા છે તેઓ ઇઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાનું આહવાન કરી રહ્યા છે.


હવે નેતન્યાહુના આ નિવેદન બાદ તરત જ મેક્રોને ગુલાંટ મારી દીધી છે અને મેક્રોન ઓફિસે નિવેદન જારી કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ફ્રાન્સ ઈઝરાયલનો પાક્કો મિત્ર છે અને અમે ઈઝરાયલની સુરક્ષાનું સમર્થન કરીએ છીએ. આ સાથે જ એમ પણ કહ્યું કે જો ઈરાન અથવા તેના સમર્થક ઈઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલની સાથે ઉભું રહેશે. નેતન્યાહુએ કહ્યું કે, જ્યારે ઈઝરાયલ ઈરાનના નેતૃત્વ વાળી બર્બર શક્તિઓ સાથે લડી રહ્યું છે ત્યારે તમામ સભ્ય દેશોએ ઈઝરાયલની સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. તેમ છતાં ફ્રાન્સના પ્રમુખ મેક્રોન અને કેટલાક અન્ય પશ્ચિમી નેતા હવે ઈઝરાયલને હથિયાર આપવા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે.તેમને શરમ આવવી જોઈએ. શું ઈરાન હિઝબુલ્લાહ, હૂતી, હમાસ અને તેના અન્ય સહયોગીઓ પર હથિયાર પ્રતિબંધ લગાવી રહ્યું છે? બિલ્કુલ નહીં. આતંકની ધુરી એક સાથે ઉભી છે પરંતુ જે દેશો કથિત રીતે આ આતંકી ધુરીનો વિરોધ કરી રહ્યા છે તેઓ ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે. આ કેટલી શરમજનક બાબત છે.