મહાકુંભમાં સ્નાન કરવા લાયક નથી સંગમનું પાણી: CPCBએ NGTને સોંપ્યો રિપોર્ટ

February 18, 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દરરોજ કરોડોની ભીડ પહોંચી રહી છે અને સંગમમાં સ્નાન કરી રહી છે. એવામાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય નથી. તેમજ તેનું આચમન પણ લઈ શકાય એવું નથી. આ રિપોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ને સોંપવામાં આવ્યો છે.

CPCB રિપોર્ટ જણાવે છે કે ઘણી જગ્યાએ તપાસ કર્યા બાદ સામે આવ્યું છે કે પાણીમાં ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયાનું ખૂબ જ ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. જેના કારણે નદીમાં પ્રદુષણ પણ વધ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમયગાળામાં કરોડો લોકો સ્નાન કરી રહ્યા હોવાના કારણે સંગમના પાણીમાં ફેકલ કોલિફોર્મની માત્રા ખૂબ જ વધી ગઈ છે. જેના કારણે હવે સંગમના પાણીની ગુણવત્તા સ્નાન માટેના પ્રાથમિક પાણીની ગુણવત્તાને અનુરૂપ નથી.  

આ મામલે NGT દ્વારા કોર્ટમાં ઘણાં સમય પહેલા અરજી દાખલ કરવામાં આવી હતી. મહાકુંભ શરુ થાય તે પહેલાં જ સુનાવણી શરુ થઈ ગઈ હતી, એટલે જ હવે તમામ અહેવાલો છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષ જોવા મળી રહ્યો છે. હવે કોર્ટે UPPCB અને સભ્ય સચિવને આગામી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે. સંગમના પાણીને લઈને ભૂતકાળમાં પણ વિવાદ થયો છે, વિપક્ષે પણ તેની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે.

આ પહેલીવાર નથી જ્યારે આવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હોય. વર્ષ 2019માં પ્રયાગરાજ કુંભ પર CPCBના અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે સ્નાનના મુખ્ય દિવસોમાં પણ પાણીની ગુણવત્તા નબળી હતી. 2019ના કુંભ મેળામાં 130.2 મિલિયન લોકોએ ભાગ લીધો હતો. 

રિપોર્ટ અનુસાર, કારસર ઘાટ પર BOD અને ફેકલ કોલિફોર્મનું સ્તર વધુ હોવાનું જણાયું હતું. મુખ્ય સ્નાનના દિવસોમાં સાંજે કરતાં સવારે BOD સ્તર નોંધપાત્ર રીતે વધારે હતું. વધુમાં, મહાશિવરાત્રિ અને તેના પછીના દિવસોમાં સવારે અને સાંજે બંને સમયે ફેકલ કોલિફોર્મનું સ્તર ધોરણો કરતાં વધી ગયું હતું.

યમુના નદીમાં ઓગળેલા ઓક્સિજનનું સ્તર તમામ માપદંડોને અનુરૂપ હતું, પરંતુ વિવિધ પ્રસંગોએ pH, BOD અને ફેકલ કોલિફોર્મ સતત સ્વીકાર્ય મર્યાદામાં ન હતા. ગંગાની ઉપનદીઓમાં કાલી નદી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું જાણવા મળ્યું હતું.