'પાલતુ શ્વાન જેવી છે ED, જ્યાં ઈચ્છે ત્યાં મોકલી દે છે..', કોંગ્રેસ સાંસદનું વિવાદિત નિવેદન

March 10, 2025

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે (10મી માર્ચ) કરાયેલા દરોડા અંગે કોંગ્રેસ નારાજગી વ્યક્ત કરી રહી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે EDને પાલતુ શ્વાન ગણાવ્યું છે. આ ઉપરાંત તેમણે ભાજપ પર પણ આરોપ લગાવ્યા હતા. નોંધનીય છે કે, EDએ રાજ્યમાં લગભગ 14-15 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત દારૂ કૌભાંડ કેસમાં કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું, 'આપણે બધા જાણીએ છીએ કે ED પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાલતુ શ્વાન બની ગયું છે. આ શ્વાનને જ્યાં ઈચ્છે ત્યાં મોકલી દે છે. ભૂપેશ બઘેલ કોંગ્રેસના એક મજબૂત નેતા છે અને તેમણે આવી લડાઈ લડી છે. કોંગ્રેસ પાર્ટી અને છત્તીસગઢના લોકો તેમની સાથે ઊભા છે. આપણે બધાં જાણીએ છીએ કે ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાઓનો પરાજય થશે.' સોમવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્રના પરિસરમાં મની લોન્ડરિંગની તપાસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવ્યા હતા. ભિલાઈ (દુર્ગ જિલ્લો)માં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ, ચૈતન્ય બઘેલના કથિત નજીકના સહયોગી લક્ષ્મી નારાયણ બંસલ ઉર્ફે પપ્પુ બંસલ અને કેટલાક અન્ય લોકોના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) ની જોગવાઈઓ હેઠળ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.