મતદાર યાદીનો મુદ્દો લોકસભામાં ગૂંજ્યો, રાહુલ ગાંધીની કેન્દ્રને અપીલ, ચર્ચા તો થવી જોઈએ...

March 10, 2025

લોકસભામાં બજેટ સત્ર દરમિયાન મતદાર યાદીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, 'અમને પણ ખબર છે કે, મતદાર યાદી કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં નથી આવતી, પરંતુ જો વિપક્ષ તેના પર ચર્ચા કરવા માગે છે તો મંજૂૂરી મળવી જોઈએ અને ચર્ચા થવી જોઈએ.' તમને જણાવી દઈએ કે, સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં સૌથી પહેલા કહ્યું હતું કે, મતદાર યાદી કોઈ સરકાર નથી બનાવતી, તો પછી અહીં આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'તમે બિલકુલ સાચું કહ્યું કે મતદાર યાદી સરકાર નથી બનાવતી, એ વાત અમે પણ જાણીએ છીએ. પરંતુ આ સમયે સમગ્ર દેશમાં મતદાર યાદી અંગે સવાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષ શાસિત રાજ્યોમાંથી વધુ ફરિયાદો છે, મહારાષ્ટ્રમાં તો સ્પષ્ટ સવાલો ઉઠી રહ્યા છે, આવી સ્થિતિમાં સમગ્ર વિપક્ષ માત્ર એટલું જ ઈચ્છે છે કે આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.' હકીકતમાં વિપક્ષ છેલ્લા ઘણા મહિનાઓથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ચૂંટણી પંચ અને ભાજપ સાથે મળીને મતદાર યાદીમાંથી ઘણા નામો કાઢી રહ્યા છે અને ઘણા નામો ઉમેરી પણ રહ્યા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તો એવું પણ કહી દીધું હતું કે મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. ત્યારે અહીં સુધી કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દો કોર્ટમાં લઈ જવામાં આવશે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના ચીફે ગત અઠવાડિયે એક જ મતદાર ઓળખ કાર્ડ EPIC નંબર ધરાવતા અનેક મતદારોને ચિહ્નિત કર્યા હતા. બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે નકલી મતદારોનો ઉપયોગ કરીને આવતા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરી છે.