ભાજપના 'જય શ્રી રામ' ના નારાનો તોડ શોધ્યો ઉદ્ધવે, કહ્યું - 'જય શિવાજી, જય ભવાની' કહી જવાબ આપજો

March 10, 2025

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારતીય જનતા પાર્ટી પર સમાજમાં ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે  તેમણે તેમના સમર્થકોને ભાજપના પ્રિય નારા 'જય શ્રી રામ'નો જવાબ 'જય શિવાજી' અને 'જય ભવાની' થી આપવા કહ્યું હતું. તેઓએ મુલુંડમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત શિવસેનાના કાર્યકરોને સંબોધિત કરતાં કહ્યું કે, 'જો કોઈ 'જય શ્રી રામ' કહે છે, તો તેને 'જય શિવાજી' અને 'જય ભવાની'કહીને જવાબ આપજો.' ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'ભાજપે આપણા સમાજમાં ઝેર ફેલાવ્યું છે. તેમણે આપણા સમાજ સાથે જે કર્યું છે, તેના માટે હું ક્યારેય માફ નહીં કરું. તેમના કારણે મુસ્લિમોએ ભાજપને મત આપ્યા છે.' ઉદ્ધવ ઠાકરેએ આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો પર ભાજપની પ્રતિબદ્ધતા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, 'ભાજપના નેતાઓ એક સમયે પાકિસ્તાન સાથે રમતગમતના કાર્યક્રમોનો વિરોધ કરતા હતા, પરંતુ હવે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને સાથે ક્રિકેટ મેચ રમી રહ્યું છે.' શિવસેના પ્રમુખે વિધાનસભામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કરેલા કટાક્ષનો પણ જવાબ આપ્યો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 'હું ઉદ્ધવ ઠાકરે નથી, કે જે ચાલી રહેલા  પ્રોજેક્ટ્સને અટકાવી દઉ.' ફડણવીસના જવાબમાં તેમણે કહ્યું કે, તમે ક્યારેય ઉદ્ધવ ઠાકરે નહીં બની શકો.'