રાષ્ટ્રપતિ બાઈડનનુ એલાનઃ અમેરિકામાં કોવિડ પબ્લિક હેલ્થ ઈમરજન્સી ખતમ થશે

January 31, 2023

Upવોશિંગ્ટન: અમેરિકાના બાઈડન તંત્રએ દેશમાં લાગુ કોવિડ પબ્લિક હેલ્થ ઈમરજન્સી અને નેશનલ ઈમરજન્સીને પૂર્ણ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમેરિકી સરકારે એલાન કર્યુ છે કે 11 મે થી દેશમાં આ બંને ઈમરજન્સીને ખતમ કરી દેવામાં આવશે. કોરોના મહામારીનો સામનો કરવા માટે જાન્યુઆરી 2020માં તત્કાલીન ટ્રમ્પ સરકારે અમેરિકામાં આ ઈમરજન્સી લાગુ કરી હતી. હાઉસ ઓફ રિપબ્લિકન લેજિસ્લેશનમાં માંગણી કરી હતી કે કોવિડ ઈમરજન્સી તાત્કાલિક ખતમ કરવામાં આવે પરંતુ વિપક્ષની માગ ન માનીને સરકારે ઈમરજન્સી ખતમ કરવાની તારીખ 11 મે નક્કી કરી છે. અમેરિકાના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ ડિપાર્ટમેન્ટે વચન આપ્યુ છે કે તેઓ રાજ્યોને ઈમરજન્સી ખતમ થયાના 60 દિવસ પહેલા નોટિસ આપશે, જેનાથી રાજ્ય પોતાના હેલ્થ કેર સિસ્ટમને ફરીથી તૈયાર કરી લે. અમેરિકામાં કોવિડ ઈમરજન્સી લાગુ થયા બાદ દર 90 દિવસે તેને વધારવામાં આવતી હતી. આ રીતે જેમ અમેરિકામાં કોરોનાના નવા વેરિઅન્ટની અસર જોવા મળી રહી હતી તેવી જ રીતે હેલ્થ ઈમરજન્સીને વધારાઈ હતી. હવે જ્યારે અમેરિકામાં કોવિડની પરિસ્થિતિ સામાન્ય છે અને સ્થિતિ નિયંત્રણમાં છે તો અમેરિકા સરકારે ઈમરજન્સી પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે ઈમરજન્સીને મે મહિનામાં પૂર્ણ કરવા પાછળનો તર્ક જણાવતા કહ્યુ કે આનાથી હોસ્પિટલોને સમય મળી જશે કે તેઓ પોતાના પેમેન્ટ વગેરેને ક્લિયર કરી લે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે જો તાત્કાલિક ઈમરજન્સી ખતમ કરી દેવામાં આવત તો આનાથી ઘણી હોસ્પિટલને નુકસાન વેઠવુ પડતુ. વ્હાઈટ હાઉસ હવે અમેરિકામાં કોરોના વેક્સિનને ખાનગી સેક્ટરને સોંપવાની તૈયારી કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં વેક્સિનનો ખર્ચ સરકાર ઉઠાવી રહી હતી પરંતુ હવે મોર્ડર્ના અને ફાઈઝર જેવી વેક્સિન માટે લોકોને 130 ડોલર પ્રતિ વેક્સિન પાછળ ખર્ચ કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છેકે અમેરિકામાં કોરોનાના કારણે 10 લાખથી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા. વર્ષ 2021માં અમેરિકામાં કોરોનાનો પીક આવ્યો. જોકે હજુ પણ અમેરિકામાં દર અઠવાડિેયે લગભગ ચાર હજાર લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.