સુપરહિટ ફિલ્મ 'ધૂમ'ના ડાયરેક્ટર સંજય ગઢવીનું નિધન, મોર્નિંગ વોક દરમિયાન થયું અવસાન

November 20, 2023

બોલીવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય ગઢવીનું આજે સવારે નિધન થયું હતું. ગુજરાતના રહેવાસી સંજય ગઢવી 57 વર્ષના હતા. તેમણે આજે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. મળેલી માહિતી મુજબ આજે સવારે જયારે તે લોખંડવાલા બેકરોડમાં ફરવા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે પરસેવાથી તરબોળ થઈ ગયા હતા. આ પછી સંજય ગઢવીને તાકીદે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા.સંજય ગઢવીના નિધનથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયું છે. મળેલી માહિતી અનુસાર સંજય ગઢવીને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ જ્યાં ફરવા ગયા હતા ત્યાંથી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટર હતું. સંજય ગઢવીના પાર્થિવ દેહ હાલમાં હોસ્પિટલમાં છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આજે તેમના અંતિમ સંસ્કાર મોડી સાંજ સુધીમાં કરવામાં આવશે. તેમનાં નિધન બાદ બોલીવૂડના ઘણાં જાણીતા સેલેબ્સ સોશ્યલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.