ઈન્સ્ટા ફોલોઅર્સ કાઉન્ટમાં શ્રદ્ધાએ એક જ સપ્તાહમાં પ્રિયંકાને પણ હંફાવી

August 27, 2024

મુંબઈ: શ્રદ્ધા કપૂરને 'સ્ત્રી ટૂ'ની સફળતા જબરદસ્ત ફળી છે. ઈન્સ્ટા ફોલોઅર્સની સંખ્યાની રીતે તે હજુ ગયાં સપ્તાહે જ પીએમ નરેન્દ્ર મોદી કરતાં પણ આગળ નીકળી જઈ ત્રીજા નંબરની સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ભારતીય સેલિબ્રિટી બની હતી. હવે થોડા જ દિવસોમાં તેણે પ્રિયંકા ચોપરાને પણ પાછળ પાડી દીધી છે અને ૯.૧૯ કરોડ ફોલોઅર્સ સાથે બીજા ક્રમાંકે પહોંચી ગઈ છે. ઈન્સ્ટા પર સૌથી વધુ ફોલો થતા ભારતીયોમાં વિરાટ કોહલી ક્યાંય આગળ છે. તે ૨.૭૦ કરોડ ફોલોઅર્સ સાથે પ્રથમ સ્થાને છે. આમ પહેલા અને બીજા ક્રમાંક વચ્ચેનું અંતર બહુ મોટું છે. પ્રિયંકા હવે ૯.૧૮ કરોડ ફોલોઅર્સ સાથે  ત્રીજા  ક્રમે ધકેલાઈ ગઈ છે.  પીએમ  નરેન્દ્ર મોદીના હાલ ૯.૧૩ કરોડ ફોલોઅર્સ છે. જોકે, 'સ્ત્રી ટૂ' સુપરડૂપર હિટ સાબિત થયા બાદ શ્રદ્ધા સટાસટ લોકપ્રિયતાનાં શિખરો સર કરી રહી છે.  ઈન્સ્ટા પર તેના ફોલોઅર્સમાં સતત વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ બાબતે અનેક કોમેન્ટસ પણ થઈ રહી છે.  'સ્ત્રી ટૂ'માં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને અભિષેક બેનર્જી સહિતના કલાકારોનો કાફલો છે. આ ફિલ્મમાં તમન્ના ભાટિયાનું આઈટમ  સોંગ પણ હિટ થયું છે. જોકે, ફિલ્મની સફળતાનો સૌથી વધુ ફાયદો હાલ શ્રદ્ધા કપૂરને થયો હોય તેમ જણાઈ રહ્યું છે.