નોંધણી ન કરાવી હોય તેવા રીઅલ-એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરાની કડક કાર્યવાહી

August 13, 2024

ગુજરાતની રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ધ્યાનમાં આવ્યું છે કે, મ્યુનિ. કોર્પોરેશન, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ પડતા ઘણા વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું નથી તેમજ નોંધણી કરાવ્યા પહેલાં જ બુકિંગ શરૂ કરી દેવામાં આવે છે.

નોંધણી ન કરાવી હોય તેવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરા ઓથોરિટી કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે. રેરાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં અનેક પ્રોજેક્ટ્સ રજિસ્ટ્રેશન વગર ચાલી રહ્યા છે. આનાથી ઘર ખરીદનારાઓ માટે જોખમ વધી જાય છે. રેરાના કાયદામાં ઘર ખરીદનારાઓના હિતનું રક્ષણ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

જેમ કે જો બિલ્ડર મિલકતનો કબજો આપવામાં મોડું કરે તો ખરીદદારો વળતર મેળવવા માટે હકદાર છે. વધુમાં, જો બાંધકામની ગુણવત્તા નિયત ધોરણો કરતાં નબળી હોય, તો ખરીદદારો બિલ્ડર સામે રેરા ફરિયાદ નોંધાવી શકે છે.

પણ જો પ્રોજેક્ટ નોંધાયેલો ન હોય તો બિલ્ડર કે ડેવલપર્સ સામે ફરિયાદ થઇ શકતી નથી. જો કોઈ બિલ્ડર કે ડેવલપર પ્રોજેક્ટની રેરામાં નોંધણી કરાવ્યા વગર પ્રોપર્ટીનું વેચાણ કરે છે તો નિયમ મુજબ તેને પ્રોજેક્ટ કોસ્ટના 10% પેનલ્ટી કરવાની જોગવાઈ છે.