સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી, બચાવવા જતાં 3નાં મોત

August 14, 2024

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ છે. જેમાં સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં એક બાર વર્ષની કિશોરીનો પણ સમાવેશ થાય છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતા ગયા હતા, જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.