સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો : જળસપાટી 135.76 મીટરે પહોંચી

August 13, 2024

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક 141131 ક્યૂસેક થઇ છે. તેમાં ડેમમાં 3841.63 MCM લાઇવ સ્ટોરેજ પાણી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે. જેમાં અસરગ્રસત થતા ગામોને એલર્ટ કરાયા છે.

નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. તેમજ નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલાયા છે. નર્મદા નદીમાં 201831 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.