કેનેડાના આ શહેરનુ તંત્ર આઠ એપ્રિલે થનારા પૂર્ણ સૂર્યગ્રહણના કારણે ટેન્શનમાં

March 30, 2024

ઓન્ટારિયો  : કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં આવેલા નાયગ્રા શહેરનુ તંત્ર આઠ એપ્રિલે યોજાનારા પૂર્ણ સૂર્ય ગ્રહણના કારણે ટેન્શનમાં આવી ગયુ છે. 

તેનુ કારણ એ છે કે,  પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે સૌથી સારા સ્થળોમાં નાયગ્રા ફોલ્સનો સમાવેશ કરાયો છે અને તેના કારણે નાયગ્રા શહેરમાં  પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે 10 લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આટલી મોટી
સંખ્યામાં આવનારા લોકોની વ્યવસ્થા સાચવવાની ચિંતાએ સ્થાનિક તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. 

નાયગ્રા શહેરના મેયર જિમ ડિયોડાટીનુ કહેવુ છે કે, 1979 બાદ પહેલી વખત કેનેડામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાશે અને અમે આ જોવા માટે આવનારા લોકોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરુ કરી દીધી છે. 


તેમનુ કહેવુ છે કે, આમ છતા આઠ એપ્રિલે નાયગ્રા અને તેની આસપાસ ટ્રાફિક જામ, ઈમરજન્સી સર્વિસની ડીમાન્ડમાં ઉછાળો  અને મોબાઈલ ફોન નેટવર્કની સમસ્યાની સ્થિતિ સર્જાઈ શકે છે.  

આઠ એપ્રિલે દેખાનારુ પૂર્ણ સૂર્ય ગ્રહણ નોર્થ અમેરિકા, મેક્સિકો તેમજ કેનેડામાંથી પસાર થવાનુ છે. કેનેડામાં આગામી  પૂર્ણ સૂર્ય ગ્રહણ હવે 2044માં દેખાવાનુ હોવાથી લોકોમાં આઠ એપ્રિલના દિવસને લઈને ભારે ઉત્સુકતા છે.
આ દિવસે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થશે અને નાયગ્રા શહેરમાં ગણતરીની મિનિટો માટે ધોળા દિવસે પણ અંધકારની સ્થિતિ સર્જાશે. જેના કારણે નાયગ્રા શહેરમાં આવવા માંગતા લોકોની સંખ્યા વધી રહી છે.
હોટલોના બૂકિંગમાં ઉછાળો દેખાઈ રહ્યો છે અને હોટલોના ભાડા પણ આસમાને પહોંચી રહ્યા છે.