સાબરમતી રીપોર્ટની રીલિઝ ઠેલાવા સાથે દિગ્દર્શક પણ બદલાયા

July 10, 2024

મુંબઈ : વિક્રાંત મેસી, રાશિ ખન્ના તથા રિદ્ધી ડોગરા સહિતના કલાકારો ધરાવતી ફિલ્મ 'ધી સાબરમતી રીપોર્ટ'ની રીલિઝ પાછી ઠેલાઈ છે પરંતુ સાથે સાથે ઓલરેડી તૈયાર થઈ ચૂકેલી ફિલ્મના દિગ્દર્શક પણ બદલાઈ ગયા છે. હવે ફિલ્મનાં કેટલાંક દૃશ્યોનું શૂટિંગ તુષાર હિરાનંદાની કરશે. અત્યાર સુધીની સમગ્ર ફિલ્મ રંજન ચંદેલે બનાવી છે. પરંતુ,  ફિલ્મ પ્રોડયૂસર એકતા કપૂરે કોઈ કારણોસર રિશૂટની જવાબદારી તેમને સોંપી નથી. તેને બદલે તાજેતરમાં રીલિઝ થયેલી રાજ કુમાર રાવની 'શ્રીકાંત'ના દિગ્દર્શક તુષાર હિરાનંદાનીને કેટલાંક દૃશ્યો રીશૂટ કરવા કહેવાયું છે. ચર્ચા અનુસાર એકતાએ આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો નવેસરથી શૂટ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ રંજન ચંદેલે તેવી કોઈ જરુરિયાત નથી તેમ કહી ઈનકાર કરી દીધો હતો. આખરે એકતાએ  નવા દિગ્દર્શક સાથે નવું શૂટિંગ આગળ વધારવાનું નક્કી  કર્યું છે. આ ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલાં રીલિઝ થવાની હતી. પરંતુ, રાજકીય વિવાદ ટાળવા ત્યારે રીલિઝ અટકાવાઈ હતી. તે પછી તે બીજી ઓગસ્ટે રીલિઝ કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ હવે તે તારીખે પણ રીલિઝ કરવાનું માંડી વાળવામાં આવ્યું છે.