નોવા સ્કોશિયા પ્રાંતમાં પાંચ દાયકાનુ સૌથી ભીષણ પૂર, 80000 ઘરોમાં વીજળી ગુલ, ચાર લાપતા

July 23, 2023

ઓટાવા- ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાઈ રહેલી હવામાનની પેર્ટનનો દુનિયાના મોટાભાગના દેશો સામનો કરી રહ્યા છે. કેનેડાના નોવા સ્કોશિયા પ્રાંતમાં છેલ્લા પાંચ દાયકાનો સૌથી વધારે વરસાદ પડયો છે. જેના કારણે આ પ્રાંતમાં ભારે નુકસાન થયુ છે.પૂરમાં બે બાળકો સહિત ચાર લોકો લાપતા છે. કેનેડાના હવામાન શાસ્ત્રી રાયન સ્નોડેનનના કહેવા પ્રમાણે આ વર્ષે આવેલા વરસાદે 1971નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. શુક્રવારથી અહીંયા વરસાદ શરુ થયો હતો અને તેના કારણે ભારે ખાના ખરાબી સર્જાઈ છે. 24 જ કલાકમાં ઘણા વિસ્તારોમાં 10 ઈંચથી વધારે વરસાદ ખાબકયો હતો. સામાન્ય રીતે આ પ્રાંતમાં આટલો વરસાદ ત્રણ મહિનામાં જ થતો હોય છે. આ વખતે એક જ દિવસમાં ભારે વરસાદના કારણે પૂર આવી ગયુ હતુ.


આ પ્રાંતમાં રસ્તા ધોવાઈ ગયા છે.પુલને ભારે નુકસાન થયુ છે અને ઈમારતો પાણીમાં છે. સમગ્ર પ્રાંતમાં બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નોવા સ્કોશિયા પ્રાંતના પ્રીમિયર ટીમ હ્યુસ્ટને કહ્યુ હતુ કે, ઓછામાં ઓછા સાત પુલ નવા બનાવવા પડશે અથવા તો તેનુ સમારકામ કરવુ પડશે. હજારો મકાનો પાણીમાં છે. તેના કારણે થયેલા નુકસાનની કલ્પના પણ થઈ શકે તેમ નથી. અત્યારે 80000 ઘરોમાં વીજ પૂરવઠો ખોરવાયેલો છે. ચાર લોકો લાપતા છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ પણ પૂરને લઈને ચિંતા વ્યક્ત કરવાની સાથે કહ્યુ છે કે, કેન્દ્ર સરકાર શક્ય હોય તેટલી તમામ મદદ પૂરી પાડશે.