હંગેરીમાં બાળ દુષ્કર્મ કેસમાં દોષિતની સજા માફ કરતાં રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડયું

February 12, 2024

હંગેરીનાં રાષ્ટ્રપતિ કેટાલિન નોવાકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેટાલિન નોકાવે શનિવારે રાજીનામાની જાહેરાત કરી હતી. હકીકતમાં, કેટાલિન નોવાકે બાળ દુષ્કર્મ કેસના દોષિતની સજા માફ કરી દીધી હતી, જેનો લોકોએ વિરોધ કર્યો અને આ વિરોધના પગલે જ કેટાલિને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું પડયું છે.

46 વર્ષીય કેટાલિન નોવાકે કહ્યું કે તેમનાથી ભૂલ થઈ છે અને તે કારણે તેમણે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. નોવાકે કહ્યું કે હું એ બધા લોકોની માફી માગું છું જેમને મારા નિર્ણયના કારણે પરેશાની થઈ. હું હમેશાં બાળકો અને પરિવારોની સુરક્ષાના પક્ષમાં હતી અને રહીશ. કેટાલિન નોવાકે એક બાળગૃહના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટરની સજા માફ કરી દીધી હતી.

ડેપ્યુટી ડાયરેક્ટર પર પોતાના બોસ દ્વારા બાળગૃહનાં બાળકોનું જાતીય શોષણ કરાયાનો ગુનો છુપાવવાનો ગુનો સાબિત થયો હતો. ગયા વર્ષે એપ્રિલમાં પોપ ફ્રાન્સિસે બુડાપોસ્ટનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન રાષ્ટ્રપતિ કેટાલિને બાળગૃહના ડેપ્યુટી ડાયરેક્ટરની સજા માફ કરી દીધી હતી.

ગયા અઠવાડિયે મીડિયાએ આ બાબતનો ખુલાસો કરતાં લોકો નારાજ થઈ ગયા. વિપક્ષે વિરોધપ્રદર્શન શરૂ કર્યાં અને કેટાલિન નોવાકના રાજીનામાની માગણી શરૂ કરી દીધી. વધતા જતા વિરોધના પગલે કેટાલિન નાવોકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.