પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી : હવે જાપાનીઓ ઉપર પણ આત્મઘાતી હુમલો : બેના મોત

April 20, 2024

કરાચી : પાકિસ્તાનમાં આખરે સુરક્ષિત કોણ છે ? તેવો પ્રશ્ન હવે દુનિયાના મહત્વના દેશોમાં ચર્ચાઈ રહ્યો છે. પહેલાં દૂર દૂરના પ્રદેશોમાં આતંકી હુમલા થતા હતા, હવે તો દેશનાં મોટાં અને મહત્વનાં શહેરોમાં પણ આવા હુમલા થઈ રહ્યા છે. આજે (શુક્રવારે) સવારે સિંધના પાટનગર કરાચીના લાંધી-વિસ્તારમાં જાપાની નાગરિકોને લઈ જતી એક મોટરને નિશાન બનાવવામાં આવી હતી. તેમાં બે લોકોનાં મોત થયા હોવાના ખબર મળ્યા છે. જોકે, જાપાની નાગરિકો સુરક્ષિત છે. પોલીસ પ્રવકતા અલરાહ હુસૈન બલોએ જણાવ્યું હતું કે તે પાંચે જાપાની નાગરિકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે, સાથે તેમના રક્ષણ માટે પોલીસને તૈનાત રાખવામાં આવી છે. જોકે હજી સુધી કોઈ આતંકી સમુહે આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં આવા ભીષણ હુમલા થતાં જ રહે છે. જેમાં પાકિસ્તાને પોતે જ પાળી-પોષીને વિકસાવેલાં આતંકી સંગઠનો તાલિમાન અને અલ કાયદા સાથે જોડાયેલાં છે તે ઉપરાંત અલગતાવાદી જૂથ બલુચીસ્તાન લિબરેશન આર્મી પણ પાકિસ્તાનમાં ઠેક-ઠેકાણે હુમલા કરે છે. તે સર્વવિદિત છે કે, છેલ્લાં કેટલાએ વર્ષોથી ચીની નાગરિકોને તો પાકિસ્તાનમાં નિશાન બનાવવામાં આવતા હતા. પરંતુ આ પહેલી વાર જ બન્યું છે કે જ્યારે જાપાની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોય.