અમેરિકા જતાં ટુરિસ્ટની વધશે મુશ્કેલી, ટ્રમ્પ સરકાર વસૂલશે 13 લાખ રૂપિયા, જાણો નવો નિયમ

August 06, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની સાથે સાથે ઇમિગ્રેશન પોલિસીના નિયમો પણ કડક બનાવી રહ્યા છે. હાલમાં જ તેમણે એક નવા પાયલટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. જે હેઠળ ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા પર અમેરિકા જતાં લોકોએ હવે વિઝા બોન્ડ પેટે 15000 ડૉલર અર્થાત રૂ. 13.16 લાખથી વધુ રૂપિયા જમા કરાવવા પડી શકે છે. અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યા પ્રમાણે, આ પ્રોગ્રામનો ઉદ્દેશ દેશમાં વિઝાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ રોકાનારા મુસાફરોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. પ્રોગ્રામ અનુસાર, ટુરિસ્ટ વિઝા (B1 વિઝા) અને બિઝનેસ વિઝા (B2 વિઝા) મારફત અમેરિકા આવતાં પ્રવાસીઓએ હવે વિઝા બોન્ડ લેવા પડશે. આ પ્રોગ્રામની નોટિસમાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડાં વર્ષથી જોવા મળ્યું છે કે, લાખો વિદેશીઓ ટુરિસ્ટ અને બિઝનેસ વિઝાની વેલિડિટી પૂર્ણ થઈ ગયા હોવા છતાં અમેરિકામાં રોકાણ કરે છે.  નવો વિઝા પ્રોગ્રામ 20 ઑગસ્ટથી લાગુ થશે. જેને પાયલટ પ્રોજેક્ટ હેઠળ શરુઆતમાં એક વર્ષ માટે લાગુ કરવામાં આવશે. અમેરિકાના ફેડરલ રજિસ્ટર મુજબ, વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને અધિકાર આપવામાં આવશે કે, તેઓ વિઝાની અરજી કરનારા પાસેથી 5000, 10,000 અને 15,000 ડૉલરના ત્રણ પ્રકારના બોન્ડ પોતાની મરજી અને સમજણ અનુસાર કરાવે. જેમાં અમેરિકાના પ્રવાસથી પરત વતન ફર્યા બાદ બોન્ડની રકમ પાછી આપવામાં આવશે. આ નવા વિઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકા ફરવા અને બિઝનેસ ટૂર પર જતાં ભારતીયો પર આર્થિક બોજો વધી શકે છે. પ્રોગ્રામમાં કયા કયા દેશોને આવરી લેવામાં આવશે તેની માહિતી પ્રોગ્રામ લાગુ થયાના 15 દિવસ પહેલાં આપવામાં આવશે. જેમાં ભારતને પણ સામેલ કરાશે તેવી પ્રબળ સંભાવના છે. કારણકે, વિઝાના નિયમોના ભંગમાં ભારતીયોનો ઇતિહાસ ખરાબ છે. વિઝા બોન્ડની રકમ ભલે પ્રવાસ બાદ પરત મળવાની હોય પરંતુ તે પહેલાં તેટલી રકમની જોગવાઈ કરવાની જરૂર પડશે.