સત્તા છોડ્યા પહેલા બાઈડેને યુક્રેનને આપી મિસાઇલના ઉપયોગની છૂટ, ટ્રમ્પનું વધશે ટેન્શન

November 18, 2024

અમેરિકાના પ્રમુખ જો બાઈડને સત્તા છોડ્યા પહેલા યુક્રેન માટે મોટું એલાન કર્યું છે. તેમણે રશિયાની અંદર સુધી પ્રહાર કરવા માટે અમેરિકા દ્વારા સપ્લાઈ કરવામાં આવેલી લોન્ગ રેન્જ મિસાઈલોના ઉપયોગની મંજૂરી આપી છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, યુદ્ધ વધુ જટિલ ન બને તે માટે અમેરિકાએ આ પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે, નોર્થ કોરિયાએ પોતાના હજારો સૈનિકોને રશિયા તરફથી લડવા માટે મોકલ્યા છે. આ ઉપરાંત નોર્થ કોરિયા હથિયારો મોકલીને પણ રશિયાને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેને આ અંગે ઘણી વખત વાંધો ઉઠાવી ચૂક્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બાઈડેન પ્રશાસને નોર્થ કોરિયાની દખલગીરીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હું પ્રમુખ બન્યા બાદ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવી દઈશ. અમેરિકાની મંજૂરી બાદ હવે યુક્રેન રશિયા સામે આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને તેમના પશ્ચિમી દેશોના સાથીઓ બાઈડેન પ્રશાસન પર દબાણ કરી રહ્યા હતા કે, લોન્ગ રેન્જ મિસાઈલના ઉપયોગની મંજૂરી આપવામાં આવે, જેથી રશિયામાં અંદર સુધી પ્રહાર કરી શકાય. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અમેરિકી પ્રતિબંધોને કારણે જ યુક્રેન પોતાના શહેરો અને ઇલેક્ટ્રિકલ ગ્રીડને રશિયન હુમલાથી સુરક્ષિત રાખવામાં અસમર્થ હતું.  એવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે કે, આ મંજૂરીથી NATOના તમામ દેશો સહમત નથી. અમેરિકા અને નાટોના સભ્યોએ આ યુદ્ધમાં સીધી રીતે સામેલ ન થવું જોઈએ તેવું પણ દબાણ છે. પરંતુ નોર્થ કોરિયાએ યુદ્ધને વધારવા માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી લીધી છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, હું યુક્રેનને થોડી જમીન છોડવા માટે રાજી કરીશ અને ત્યારબાદ યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ કરીશ. પ્રાપ્ત માહિતી પ્રમાણે નોર્થ કોરિયાથી 12 હજાર સૈનિકો રશિયા પહોંચ્યા છે. આ ઉપરાંત નોર્થ કોરિયાએ રશિયાને ઘાતક હથિયારો પણ આપ્યા છે.