સુરતમાં ફરી ગ્રીષ્મા કાંડ-2નો પ્રયાસ! હોટલમાં યુવકે યુવતીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો

October 14, 2023

સુરત: આજે ફરી સુરતમાં ગ્રીષ્મા કાંડ જેવો હત્યાકાંડ સર્જાતા સહેજમાં રહી ગયો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલી એક હોટલમાં યુવકે યુવતીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બીજી બાજુ યુવકનું કહેવું છે કે યુવતીએ જાતે ચપ્પુ માર્યું હતું. આ અંગે પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. આ અંગે પુણા પોલીસે યુવકની પૂછતાછ શરૂ કરી છે.


સુરત પર્વત પાટીયા ખાતે આવેલી એક હોટલમા એક યુવકે યુવતીને ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે અને યુવકની પુણા પોલીસે કરી ધરપકડ કરી પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે હોટલના રૂમમાં યુવતી યુવક સાથે ગઈ હતી. તે દરમિયાન બૂમાબૂમના અવાજ આવી રહ્યાં હતાં. જેથી આસપાસથી સ્ટાફ સહિતના લોકો ત્યાં દોડી આવ્યાં હતાં. જો કે, યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા હોવાથી લોહી વહી રહ્યું હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે યુવકને પોલીસે ઝડપી લીધો હતો.


પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકે જણાવ્યું છે કે, યુવતીએ જાતે જ પોતાના ગળા પર ચપ્પુ મારી દીધું હતું. જો કે, હાલ પોલીસે યુવકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી વચ્ચે શું સંબંધ હતાં તથા શા માટે હુમલો કર્યો કે પછી યુવતીએ શા માટે પોતાનું ગળું કાપવા પ્રયાસ કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.