કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત

May 10, 2025

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 તારીખે કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા 26 લોકોના મોતનો બદલો લેવામાં આવ્યો છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoK મળીને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. જોકે, ત્યારબાદથી પાકિસ્તાને સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતના સરહદી વિસ્તારોમાં હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે.

જોકે, ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. હવે આ ઘટનાને લઈને સંરક્ષણ મંત્રાલય મધ્યરાત્રીની સ્થિતિની જાણકારી આપી છે. જેમાં જણાવાયું કે, આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર 26 જગ્યાએ ડ્રોન જોવા મળ્યા હતાં. આ હુમલામાં કોઈ જાનહાનિની ઘટના નથી સર્જાઈ પરંતુ, ફિરોઝપુરનો એક પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા (LoC) પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. જેમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતિપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લખી નાલાનો સમાવેશ થાય છે.

દુર્ભાગ્યે, એક સશસ્ત્ર ડ્રોન દ્વારા ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેના પરિણામે એક સ્થાનિક પરિવારના સભ્યો ઘાયલ થયા હતા. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.