રામલીલામાં વિક્રમ સર્જાયો 41 કરોડ લોકોએ ઓનલાઇન નિહાળી

October 08, 2024

અયોધ્યાના શ્રીરામ પ્રેક્ષાગૃહમાં ફિલ્મી કલાકારો શ્રીરામની ગાથાને પોતાની અદાકારીથી જીવંત કરી રહ્યા છે. અહીંની ફિલ્મી રામલીલા દેશવિદેશના રામભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રામલીલાનું દૂરદર્શનની સાથોસાથ ઓન - લાઇન પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ થઈ રહ્યું છે, જેને દર્શકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે.

આંકડા પણ તેની સાક્ષી પૂરે છે. ત્રણ દિવસમાં જ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર 41 કરોડ દર્શકોએ રામલીલા જોઈ અને રેકોર્ડ સર્જાયો. વિશ્વના 40 દેશમાં 26 ભાષાઓમાં તેનું પ્રસારણ થઈ રહ્યું છે. ફિલ્મી રામલીલા સમિતિના અધ્યક્ષ સુભાષ મલિકે જણાવ્યું કે અયોધ્યામાં ફિલ્મી કલાકારોની રામલીલા 2020માં શરૂ થઈ હતી. ઓનલાઇન પ્લેટફોર્મ પર દર વર્ષે દર્શકોની સંખ્યા વધતી ગઈ.

ગત વર્ષે 40 કરોડ લોકોએ રામલીલા ઓનલાઇન નિહાળ્યાનો રેકોર્ડ સર્જાયો હતો. આ વર્ષે ત્રણ જ દિવસમાં આ રેકોર્ડ તૂટી ગયો. આશા છે કે આવતા વર્ષે આંકડો 50 કરોડને પાર પહોંચી જશે. દૂરદર્શન પર અત્યાર સુધીમાં 22 કરોડ, યૂ-ટયૂબ ઉપર 17 કરોડ તથા અન્ય પ્લેટફોર્મ્સ ઉપર ત્રણ કરોડ લોકોએ રામલીલા જોઈ છે.

મલિકે ઉમેર્યું હતું કે રામલીલા શરૂ થાય ત્યારે પ્રારંભના બે-ત્રણ દિવસમાં જ દર્શકો ઝડપથી જોડાઈ જાય છે અને આ દર્શકો છેક સુધી યથાવત્ રહે છે. એ પછી નવા દર્શકો બહુ ઓછા જોડાય છે. દેશવિદેશમાં અંદાજે પાંચ હજાર જેટલી યૂ-ટયૂબ ચેનલ્સ 70 સેટેલાઇટ ચેનલ્સ પરથી રામલીલાનું પ્રસારણ થઈ રહ્યું છે. રોજ સાંજે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવે છે.