કોણે ચિટ કર્યું? હાર્દિક સાથે છૂટા પડ્યા બાદ નતાશાએ ચીટિંગને લગતી પોસ્ટ લાઇક કરતાં અટકળો શરૂ

August 13, 2024

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિકે લગ્ન સંબંધથી છૂટા પાડવાની જાહેરાત કરી ત્યાર પછીથી સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. કેટલાક ક્રિકેટ ફેન્સ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરે છે અને નતાશાને ટ્રોલ કરવાની એક પણ તક છોડતા નથી. તો સામે કેટલાક ફેન્સ હાર્દિક સામે જાતજાતના આક્ષેપ લગાવી તેના વિવાદાસ્પદ ભૂતકાળના વીડિયોઝ શેર કરી રહ્યા છે. હવે ગોસિપ કરનાર લોકોને વધુ એક કારણ મળ્યું છે. સર્બિયન મોડલ અને ડાન્સર નતાશા હાલ તેના દીકરા અગતસ્ય સાથે પોતાના વતન સર્બિયામાં છે. તેણે તાજેતરમાં એક પોસ્ટ લાઇક કરીને ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ પોસ્ટ રિલેશનશિપમાં ચીટિંગ અંગે અને એક વ્યક્તિના ભાવનાત્મક દુરુપયોગ અંગે હતી. જેના કારણે લોકોએ અટકળો બાંધવાનું શરૂ કરી દીધું છે. હાર્દિક અને નતાશાએ તેઓના અલગ થવાનું કારણ જાહેર નથી કર્યું. પરંતુ નતાશાએ ચીટિંગ અને ઈમોશનલ અબ્યૂઝ અને ટોક્સિક રિલેશનશિપ અંગેની પોસ્ટ લાઇક કરતાં લોકોએ સોશિયલ મીડીયા પર અફવાઓ અને ધારણાઓ બાંધીને શેર કરવાનું શરૂ કરી દીધું હતું.  ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં લોકડાઉનમાં બંનેના લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ ધર્મની વિધિ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 2020માં જ 30 જુલાઈના રોજ તેઓને એક પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું. નતાશા તાજેતરમાં જ અગત્સ્ય સાથે વતન સર્બિયા પહોંચી ગઈ હતી. નતાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વાત જણાવી હતી અને અગતસ્યના જન્મદિવસની ઉજવણીની તસવીરો પણ શેર કરી હતી.