E20 પેટ્રોલનો અસલી ફાયદો કોને? ના ખેડૂતો માલામાલ થયા, ના પેટ્રોલના ભાવ ઘટ્યા

August 11, 2025

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને રચાયેલા E20 ઈંધણ બાબતે કેન્દ્ર સરકાર જાતભાતના વાજાં વગાડી રહી છે, પણ હકીકત એ છે કે એનો ફાયદો વાહનમાલિકો કે ખેડૂતોને નથી થઈ રહ્યો. ના તો ઈથેનોલ માટે જરૂરી ખેતપેદાશ ઉગાડનારા ખેડૂતો માલામાલ થયા છે કે ના તો વાહન માલિકોને સસ્તું પેટ્રોલ મળ્યું છે. સરકારે E20ના ભાવમાં એક પૈસાનો પણ ઘટાડો ન કરતાં લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. વધારામાં જૂના મોડલની કારમાં એન્જિન પર થતી પ્રતિકૂળ અસર અને ઘટતા માઇલેજની સીધી અસર વાહનોની રિસેલ વેલ્યૂ પર થવાની ચિંતા ઊભી થઈ છે. 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સરકારની આ નવી ‘ઇથેનોલ મિશ્રણ યોજના’ના મજબૂત સમર્થક છે. તેઓ કહે છે કે, ‘આ નીતિ દેશ માટે લાભદાયક છે, એનાથી તેલની આયાતમાં ઘટાડો થશે, દેશનું અબજોનું હૂંડિયામળ બચશે અને ખેડૂતોને કરોડો રૂપિયાની આવક થશે.’ 

E20 ની શરૂઆત પછી પણ પેટ્રોલના ભાવ ઘટ્યા નથી, જેને લીધે સરકારને તો જંગી આવક થઈ રહી છે, પણ બાકીનાને શું લાભ થયો? આ વાત ચાર સવાલના જવાબથી સમજીએ. 

1) ખેડૂતોની આવક વધી? 

E20ની વકીલાત કરતી સરકાર ગાઈ-વગાડીને કહે છે કે, E20 ને લીધે ખેડૂતોને કરોડો રૂપિયાની આવક થશે. હકીકત એ છે કે ઇથેનોલ નીતિથી ધનિક બન્યા એવા ખેડૂતોના ઉદાહરણો દેશમાં ક્યાંય જોવા મળતા નથી. સરકાર કહે છે કે, 2021 થી 2024 દરમિયાન ખેડૂતોને EBP (ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ) પ્રોગ્રામથી રૂ. 57,552 કરોડની આવક થઈ છે. વર્ષ 2014થી 2024 દરમિયાન કુલ વધારાનો લાભ રૂ. 1,04,419 કરોડ રહ્યો છે. પરંતુ આ આંકડા ફક્ત હાથીના દેખાડવાના દાંત જેવા લાગે છે, કેમ કે એનો ફાયદો ખેડૂતોને મળ્યો નથી. તો ફાયદો કોને મળ્યો?

નાગરિકોમાં ચર્ચા છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવાથી વાહનના એન્જિનને નુકસાન થાય છે. નિષ્ણાતો જણાવે છે કે ઇથેનોલના કારણે વાહનના એન્જિન, ફ્યુઅલ પાઈપ્સ અને રબર સીલને નુકસાન થવાનું જોખમ છે. પરંતુ પેટ્રોલિયમ મંત્રાલય કહે છે કે, આ અફવા છે. ખેર, 2023 પહેલાં ખરીદાયેલી કાર E20 પેટ્રોલ સાથે સંપૂર્ણ રીતે સુસંગત ન હોવાથી તેનો જાળવણી ખર્ચ વધી શકે છે.