હાર્દિકની જગ્યાએ સૂર્યાને કેમ T20 કેપ્ટન બનાવાયો? ચીફ સિલેક્ટર અગરકરે કર્યો મોટો ખુલાસો

July 22, 2024

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T-20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઘણા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ અંગે અજીત અગરકરે કહ્યું, 'કોઈપણ ખેલાડી જેને ટીમમાંથી બહાર કરવામાં આવશે તેને ખૂબ જ ખરાબ લાગશે. રિંકુને જ જુઓ, તેણે ટી-20 વર્લ્ડ કપ પહેલા ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમમાં જગ્યા બનાવી શક્યો નહિ. અમે ફક્ત 15 ખેલાડીઓની પસંદગી કરી શકીએ છીએ.' અજીત અગરકરે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સિલેક્ટ ન કરવા બાબતે કહ્યું કે, 'અક્ષર અને જાડેજા બંનેને પસંદ કરવાનો કોઈ અર્થ નહોતો. કોઈ એકને બેંચ પર બેસાડવા જ પડે. જાડેજાને બહાર નથી કર્યો, એક લાંબી ટેસ્ટ સિઝન આવી રહી છે.' 
ગૌતમ ગંભીરે કહ્યું, 'મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે ખેલાડીઓ હંમેશા મને સપોર્ટ કરશે. ડ્રેસિંગ રૂમમાં ખુશનુમા વાતાવરણ હોવું જરૂરી છે. હું વસ્તુઓને જટિલ બનાવવા માંગતો નથી. હું ખૂબ જ સફળ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છું. બોલરોને બેટ્સમેન કરતાં વધુ આરામની જરૂર હોય છે.' ગંભીરે કહ્યું, 'જસપ્રિત બુમરાહ જેવા ખેલાડી માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. રોહિત અને વિરાટ ટી-20 રમી રહ્યા નથી, તેથી તેમને મોટાભાગની મહત્વપૂર્ણ મેચો માટે ઉપલબ્ધ રહેવું પડશે. બેટ્સમેન માટે, જો તે સારું ક્રિકેટ રમી શકે અને સારા ફોર્મમાં હોય તો તેણે બધી મેચ રમવી જોઈએ. માત્ર બુમરાહ માટે જ નહીં પરંતુ મોટાભાગના બોલરો માટે વર્કલોડ મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે.'
ચીફ સિલેક્ટર અજીત અગરકરે સૂર્યકુમાને કેપ્ટન બનાવવા બાબતે કહ્યું કે, 'સૂર્યકુમાર યાદવ લાયક ઉમેદવારોમાંથી એક હોવાથી તેને કેપ્ટન બનવવામાં આવ્યો છે. તે ટી-20ના બેસ્ટ બેટ્સમેનમાંનો એક છે. એક એવો કેપ્ટન જોઈએ છે જે બધી મેચ રમે. હાર્દિક પંડ્યાની ફિટનેસ તેના માટે પડકારરૂપ છે. હાર્દિક ઘણો મહત્ત્વનો ખેલાડી છે, પરંતુ તેની ફિટનેસ ચિંતાનો વિષય છે. પસંદગીકારો/કોચ માટે હાર્દિકને દરેક મેચ રમાડવી મુશ્કેલ બની જાય છે. અમને એવો કેપ્ટન જોઈતો હતો જે તમામ મેચ રમવા માટે ઉપલબ્ધ હોય. સૂર્યમાં સફળ થવા માટે જરૂરી તમામ ગુણો છે.'