કેનેડાની જીત સાથે જ ભારત-પાકિસ્તાન બંનેનું ટેન્શન વધ્યું, T-20 વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં ભૂકંપ

June 08, 2024

T-20 વર્લ્ડ કપમાં એક બાદ એક મોટા અપસેટ જોવા મળી રહ્યા છે. USAએ પાકિસ્તાનને હરાવ્યા બાદ કેનેડાએ આયરલેન્ડને હરાવીને અપસેટ સર્જયો છે. કેનેડાની આ જીતથી T-20 વર્લ્ડકપના પોઈન્ટ ટેબલમાં ભૂકંપ આવી ગયો છે. કેનેડાની આ જીતે ગ્રુપ Aમાં સામેલ બે ટીમોનું ટેન્શન વધારી દીધુ છે. પાકિસ્તાનની ટીમ પર તો બહાર થઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ચાલો જાણીએ કે, કેનેડા અને આયરલેન્ડ વચ્ચેની મેચ બાદ સુપર-8નું શું સમીકરણ બની રહ્યું છે.
પાકિસ્તાનની ટીમ એક સ્થાન નીચે આવી ગઈ. કેનેડાની ટીમ આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પછાડી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તેની પાસે 2 મેચ બાદ 2 જ પોઈન્ટ છે. પાકિસ્તાને અત્યાર સુધી એક જ મેચ રમી છે. આવી સ્થિતિમાં તેની પાસે 0 પોઈન્ટ અને 0 નેટ રન રેટ છે. પાકિસ્તાની ટીમનું ટેન્શન અહીં જ સમાપ્ત નથી થતું. ભારત સામેની મેચમાં વરસાદની 42% શક્યતા છે. આવી સ્થિતિમાં ન્યૂયોર્કના હવામાને પાકિસ્તાનનું ટેન્શન વધારી દીધુ છે. હવે જો ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ થશે તો પાકિસ્તાનની ટીમ પર વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો મંડરાશે.
વરસાદના કારણે મેચ રદ્દ થવાથી પાકિસ્તાનની ટીમને 2માંથી માત્ર 1 જ પોઈન્ટ મળી શકશે. આવી સ્થિતિમાં તેણે પોતાની આગામી બે મેચોમાં મોટી જીત નોંધાવવી પડશે. તેનાથી પાકિસ્તાનને 5 પોઈન્ટ મળશે પરંતુ USAની ટીમ પહેલાથી જ 4 પોઈન્ટ અને +0.626નો નેટ રન રેટ પ્રાપ્ત કરી ચૂકી છે. આવી સ્થિતિમાં જો તેની એક મેચમાં વરસાદ પડે અથવા તે એક મેચમાં જીત મળે તો USA સરળતાથી ક્વોલિફાય કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમે 4 મેચ રમવાની હોય છે. જેથી તેની પાસે વધુમાં વધુ 8 પોઈન્ટ હોઈ શકે.જ્યારે ભારતની સુપર-8માં પહોંચવાની સંભાવનાની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની હજુ ત્રણ મેચ બાકી છે. જો ટીમ ઈન્ડિયાને એક પણ મેચમાં હારે મળે તો તેને મોટો આંચકો લાગી શકે છે. પછી ટીમ ઈન્ડિયા બાકીની મેચો જીતીને વધુમાં વધુ 6 પોઈન્ટ જ મેળવી શકશે. આ દરમિયાન જો એક મેચમાં પણ વરસાદનું વિધ્ન આવે અને તે કોઈપણ એક મેચ હારી જાય તો તે મહત્તમ 5 પોઈન્ટ જ મેળવી શકશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે. જો પાકિસ્તાને ક્વોલિફાય થવું હોય તો તેને ત્રણેય મેચ મોટા અંતરથી જીતવી પડશે. કેનેડાની જીતથી આયરલેન્ડ સૌથી નીચે આવી ગયું છે. 2 મેચ બાદ તેના 0 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં તેના માટે સુપર-8માં ક્વોલિફાય થવું ઘણું મુશ્કેલ થઈ ગયુ છે.