ત્રિપુરામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 10 બાંગ્લાદેશી હિન્દુઓની અટકાયત

December 09, 2024

શનિવારે ત્રિપુરાની અગરતલા પોલીસે 10 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. આ લોકો બાંગ્લાદેશી હિન્દુઓ છે જેઓ બાંગ્લાદેશમાં પ્રવર્તી રહેલી અશાંતિ વચ્ચેથી મુક્ત થવા માટે ત્રિપુરાની સરહદેથી ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યા હતાં તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. અટકાયતમાં લેવામાં આવેલા 10 લોકોમાં બે મહિલાઓ, ત્રણ ટીનેજર્સ અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ લોકો આસામના સિલચાર જતી ટ્રેનમાં બેસવા જતાં હતાં ત્યારે જ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે અમે બાંગ્લાદેશના નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. અટકાયતમાં લેવામાં આવેલા લોકોમાંથી સંકર ચંદ્ર સરકાર નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમને સતત ધમકીઓ મળી રહી હતી તેને પગલે તેઓ બાંગ્લાદેશના કિશોરગંજ જિલ્લાના ધાનપુર ગામમાંથી ભાગી છૂટયા હતાં.

તેમણે જણાવ્યું હતું કે ગાઢ જંગલ ધરાવતાં પહાડ પર ચડીને અમે ત્રિપુરાના કમાલપુરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. અમે લોકો આસામના સિલચારમાં એક ભાડાના ઘરમાં રહેવા માટે સિલચર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. મીડિયા સાથેની વાતચીતમાં આ લોકોએ જણાવ્યું હતું કે તેઓએ ભારત આવવા માટે ગામ છોડયું તે પહેલાં તેમની કેટલીક પ્રોપર્ટીને વેચી નાખી હતી જો કે તેમ છતાં તેમણે મોટા પ્રમાણમાં પ્રોપર્ટી અને રાચરચીલું ત્યાં જ છોડીને ભાગી આવવું પડયું છે.