20 રાજ્ય ઠંડીથી ઠુઠવાયા, ઉત્તર ભારતના રાજ્યોમાં ધુમ્મસની ચાદર

December 09, 2024

સમગ્ર દેશના હવામાનમાં પલટો આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં રવિવારે હળવા વરસાદે ઠંડીમાં વધારો કર્યો અને વાયુ પ્રદૂષણમાં વધુ ઘટાડો કર્યો. ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં સવારે ધુમ્મસ અને સાંજે વરસાદ હતો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હાલ દેશભરના 20થી વધુ રાજ્યો તીવ્ર ઠંડીની લપેટમાં છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ભવિષ્યમાં વધુ ઠંડી પડવાની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આ ફેરફાર થયો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં 15 ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું, ગાઢ ધુમ્મસ, વરસાદ અને હિમવર્ષાની આગાહી છે, પરંતુ તે જોઈએ તેટલી ઠંડી નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ચંદીગઢમાં રવિવારે સાંજે સારો વરસાદ થયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડીમાં વધારો થયો હતો. રાજધાનીમાં ગઈકાલે મહત્તમ તાપમાન 23.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આજે દિલ્હી-NCRમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં તાપમાન 3 ડિગ્રી સુધી જઈ શકે છે, એટલે કે તે સામાન્ય કરતાં વધુ ઠંડી પડી શકે છે.