ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 67 ટકા વરસાદ

August 05, 2024

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 9 ઇંચ, વલસાડ અને ધરમપુરમાં 7-7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 67 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 86 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં 81 ટકાથી વધુ અને સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84 ટકાથી વધુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે વાપી-વલસાડ જિલ્લાની શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ ઍલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે (પાંચમી ઑગસ્ટે) વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કૉલેજો અને આઇટીઆઇમાં જાહેર રજા જાહેર કરી હતી. તેમજ પારડી, વાપી, ગણદેવી, ચીખલી, બીલીમોરા અને ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઑગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર,  અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ થઈ શકે છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

છઠ્ઠી ઑગસ્ટની આગાહી

છઠ્ઠી ઓગસ્ટે વલસાડ બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સાતમી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આઠમી ઑગસ્ટે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંમચહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

નવમી ઑગસ્ટે  નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ભાવનગર, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, આણંદ, ખેડા, વડોદરા, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.