'નાસભાગ બાદ મૃતદેહોને નદીમાં ફેંકી દેવાયા', મહાકુંભ દુર્ઘટના પર સાંસદ જયા બચ્ચનનો મોટો આરોપ

February 03, 2025

મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે સમાજવાદી પાર્ટી (SP) ના સાંસદ જયા બચ્ચને પ્રયાગરાજના સંગમ નોઝ પર થયેલા અકસ્માત અંગે ઉત્તરપ્રદેશ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. જયા બચ્ચને દાવો કર્યો છે કે અકસ્માત બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.

સપા સાંસદે સોમવારે (3 ફેબ્રુઆરી) સંસદ ભવનના સંકુલમાં કહ્યું હતું, 'ત્યાં (મહાકુંભમાં) નાસભાગ પછી મૃતદેહો નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને તેનાથી પાણી પ્રદૂષિત થયું હતું. આ સમયે સૌથી વધુ દૂષિત પાણી ક્યાં છે? તે કુંભમાં જ છે. તેના માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી રહી નથી.' 

જયા બચ્ચને વધુમાં કહ્યું હતું કે, 'મૃતદેહોને પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, જેનાથી પાણી પ્રદૂષિત થયું હતું. આ એ પાણી છે જે લોકો સુધી પહોંચી રહ્યું છે. આ બાબત પરથી આખું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમની કોઈ વાત નથી થઈ, તેમને સીધા પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને આ લોકો (ભાજપ) જળશક્તિ પર ભાષણો આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, મૌની અમાવસ્યા (28 જાન્યુઆરી) ના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ ઘાટ નજીક નાસભાગ મચી ગઈ હતી. ઉત્તરપ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર, આ નાસભાગમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માત પછી જ વિપક્ષી પક્ષોએ સરકારને આડેહાથ લીધી છે. વિપક્ષનો આરોપ છે કે ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર મૃતકોના આંકડા છુપાવી રહી છે.

મેળા પ્રશાસનના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમેળામાં અત્યાર સુધીમાં 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. મેળાના એક અધિકારીને ટાંકીને, એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મેળા વિસ્તારમાં ચારેય દિશાઓથી કરોડો લોકો આવવાનું ચાલુ છે. ભીડને કાબુમાં લેવા માટે જિલ્લા વહીવટીતંત્રે કડક વ્યવસ્થા કરી છે.