ચાલુ કોન્સર્ટમાં સોનુ નિગમની તબિયત લથડી, કહ્યું- મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો

February 03, 2025

બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના ચાહકો વિશ્વભરમાં છે. અને તેમને લાઈવ ગીતો ગાતા સાંભળવા માટે દરેક લોકો આતુર હોય છે. હાલમાં જ સોનુ નિગમે પૂણેમાં એક લાઈવ પર પર્ફોર્મન્સ આપ્યું, જ્યાં તેના ચાહકોને સોનુના ગીતોમાં મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પરંતુ આ લાઈવ શો દરમિયાન સોનુ નિગમને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જે તેમણે પોતે જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. સોનુ નિગમના લાઈવ શો દરમિયાન શું થયું હતું, તે તમને જણાવીએ. હકીકતમાં, આ લાઈવ પર્ફોર્મન્સ પહેલા સોનુ નિગમને શરીરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને પીઠ અને પગમાં ખેંચાણની ફરિયાદ પણ કરી હતી. જોકે, આ દુખાવો થતો હોવા છતાં પણ તેમણે પોતાનું પ્રદર્શન પૂરુ કર્યું હતું. અને સ્ટેજ પર તેમના ચાહકોના દિલ જીતી લીધા. સોનુ નિગમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે તેમના દુખાવાની સ્થિતિ વિશે વાત કરી છે. સોનુના ચાહકો તેનો વીડિયો જોઈને ખૂબ જ હેરાન રહી ગયા, કારણ કે સોનુ તેના પર્ફોર્મન્સ દરમિયાન એકદમ સામાન્ય દેખાતો હતો. આ વીડિયોમાં સોનુ નિગમ કહે છે કે, 'પુણેમાં પર્ફોર્મ કરતી વખતે મને અચાનક પીઠનો દુખાવો શરુ થયો હતો. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો, પણ મને ખુશી છે કે મેં મારું પ્રદર્શન આપ્યું.'