ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું પનામા, ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટથી પીછેહઠ કરી

February 03, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ વૈશ્વિક સ્તર પર ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. ચીન પર પણ 10 ટકા ટેરિફ લગાવવામાં આવી છે. આ સિવાય ટ્રમ્પના ભારે દબાણ વચ્ચે પનામાએ ચીનને ભારે ઝટકો આપ્યો છે. પનામા નહેરને લઈને ટ્રમ્પના દબાણની વચ્ચે પનામાના રાષ્ટ્ર પ્રમુખ જોર સાઉલ મુલિનોએ કહ્યું કે, અમારો દેશ ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના બેલ્ડ એન્ડ રોડ (BRI)ને રિન્યૂ નહીં કરે. પનામા 2017માં ચીનની આ યોજનાથી જોડાયેલું હતું. પરંતુ, હવે પનામાના રાષ્ટ્ર ,પ્રમુખની આ જાહેરાત બાદ સ્પષ્ટ છે કે, પનામા જલ્દી ચીનની આ યોજનાથી બહાર નીકળવા જઈ રહ્યું છે. રાષ્ટ્ર પ્રમુખ મુલિનોએ કહ્યું કે, હવે પનામા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સહિત નવા રોકાણ પર અમેરિકાની સાથે મળીને કામ કરશે. અમારી સરકાર પનામા પોર્ટ્સ કંપનીનું ઑડિટ કરશે. આ કંપની પનામા નહેરના બે બંદરોને ઓપરેટ કરનારી ચીનની કંપની સાથે જોડાયેલી છે. અમે પહેલાં ઑડિટ પૂર્ણ થવાની રાહ જોવી પડશે.  આ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પનામાના રાષ્ટ્ર પ્રમુખ મુલિનોને કહ્યું હતું કે, પનામા પર ચીનના કબ્જાના કારણે અમેરિકાએ પોતાના અધિકારોની સુરક્ષા કરવી પડશે. મને નથી લાગતું કે, અમેરિકાને પનામા પર ફરી કબ્જો કરવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરવો પડશે. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના પનામાને પરત લઈને રહીશું અને તેના માટે અમે કંઈક મોટું પગલું લેવા જઈ રહ્યાં છીએ. પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, પનામા જ ચીનને ચલાવી રહ્યું છે જોકે, આ નહેર ચીનને સોંપવામાં નહતી આવી. પનામા નહેર સમજ્યા વિના પનામાને સોંપી દેવામાં આવી હતી. પરંતુ, તેઓએ કરારનું ઉલ્લંઘન કર્યું અને અમે તેને પરત લઈને રહીશું. જેના માટે અમુક મોટા પગલાં લેવા જઈ રહ્યાં છીએ.  આ પહેલાં પનામા નહેરને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, અમારી નૌસેના અને કારોબારી સાથે ખૂબ અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો છે. પનામા દ્વારા લેવામાં આવતી ફી હાસ્યાસ્પદ છે. આ પ્રકારની વસ્તુઓને તુરંત બંધ કરી દેવી જોઈએ. જો પનામાનું સુરક્ષિત, કુશળ અને વિશ્વસનીય રીતે સંચાલન નથી થતું તો અમે માંગ કરીશું કે, પનામા નહેર અમને સંપૂર્ણ રીતે પરત કરવામાં આવે. જો નૈતિક અને કાયદાકીય રીતે બંને સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો અમે માંગ કરીશું કે, પનામા નહેરને જેટલું બની શકે તેટલું જલ્દી અમેરિકાને પરત કરી દો.