બર્થ-રાઈટ સીટીઝનશિપ ગુલામોનાં સંતાનો માટે હતી : દુનિયાભરના લોકો અહીં આવીને ખડકાય તે માટે ન હતીં, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ

February 01, 2025

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, બર્થ-રાઈટ સીટીઝનશિપ કાનૂન તો મૂળભૂત રીતે યુએસના ગુલામોનાં બાળકોને અનુલક્ષીને બનાવવામાં આવ્યો હતો. દુનિયાભરના લોકો અહીં આવી ખડકાય તે માટે નહીં. પદગ્રહણ કર્યા પછી પહેલા જ દિવસે ટ્રમ્પે બર્થ રાઈટ સીટીઝનશિપ અંગે એક્ઝિક્યુટિવ ઓર્ડર પસાર કર્યો હતો, જે અમેરિકામાં મુલાકાતે આવેલા કે અમેરિકાનાં નાગરિક ન હોય તેવાં દંપતિનાં બાળકો અમેરિકામાં જન્મે તો આપોઆપ તે અમેરિકાનાં નાગરિક બની જાય છે, તેવા સંવૈધાનિક કાનૂનને એક તરફ રાખી. આ રીતે જન્મેલાં બાળકોને આપોઆપ મળતું નાગરિકત્વ ખતમ કરાયું હતું. આ સામે વિવિધ રાજ્યોની વિવિધ કોર્ટમાં અપીલ થઈ હતી તે પૈકી અમેરિકાનાં પશ્ચિમ-ઉત્તરતમ રાજ્ય વૉશિંગ્ટન સ્ટેટના ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે ગેરબંધારણીય કરી રદ્દ ઠરાવ્યો હતો. તે સામે ટ્રમ્પે હવે વૉશિંગ્ટન સ્થિત ફેડરલ કોર્ટ સમક્ષ અપીલ કરવા નિર્ણય કર્યો છે. આ અંગે પોતાની ઓવલ ઓફીસમાં પત્રકારોને કરેલાં સંબોધનમાં પ્રમુખે કહ્યું હતું કે અહીં બધા આવીને વસે છે. જે પૈકી બહુમોટા ભાગના તો અનક્વૉલિફાઈડ જ હોય છે. તેમનાં બાળકો પણ પૂરતું શિક્ષણ પામી શકતાં નથી. તે કાનૂન કૈં તેવાઓ માટે હોઈ શકે જ નહીં. આ સાથે તેઓએ ભારપૂર્વક કહ્યું હતું કે તે કાનૂન મૂળભૂત રીતે તો ગુલામોનાં બાળકો માટે હતો, તે ઘણું સારૃં અને ઉત્તમ પગલું હતું, પરંતુ તે અન્યોને લાગુ પડતો ન હતો. હું તે સમયે ઘડાયેલા કાનૂનનો ૧૦૦ ટકા સમર્થક છું. પરંતુ તેનો અર્થ તેવો નથી કે તે ગેરકાયદે ઘૂસી આવેલાં બાળકો માટે પણ લાગુ પડે. અમે વોશિંગ્ટન કોર્ટના તે હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં જવાના છીએ મને ખાતરી છે કે અમે જીતીશું જ.