અમેરિકા સાથે ટેરિફ વૉર વચ્ચે ચીને ભારત તરફ લંબાવ્યો મિત્રતાનો હાથ

March 07, 2025

ચીનની આયાત પર 20 ટકા ટેરિફ લાદવાની જાહેરાત વચ્ચે ચીને વર્ષોથી પોતાના દુશ્મન ગણતાં ભારત તરફ મિત્રતાના હાથ લંબાવ્યા છે. ચીનના નાણા મંત્રી વાંગ યીએ નિવેદન આપ્યું છે કે, નવી દિલ્હી અને બેઇજિંગ એક સાથે મળીને કામ કરે તો વિશ્વમાં મહાસત્તા તરીકે ઉભરી આવી શકે છે. નેશનલ પીપલની કોંગ્રેસ મીટમાં વાંગે કહ્યું કે, 'ડ્રેગન (ચીન) અને એલિફન્ટ(ભારત)એ હવે સાથે મળીને ડાન્સ કરવાની જરૂર છે. એકબીજાને નીચા દેખાડવાના બદલે એકબીજાને સહકાર આપતા મજબૂત તાકાત તરીકે ઉભરી આવવાની જરૂર છે. ગતવર્ષે પૂર્વીય લદ્દાખમાં ચાર વર્ષથી ચાલી રહેલી લશ્કરી ગતિવિધિઓનો અંત આવ્યા બાદ બંને દેશો તમામ સ્તરે સંબંધો સુધરી રહ્યા છે. ગતવર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ જિનપિંગની સફળ મુલાકાત બાદ ચીન અને ભારતના સંબંધ છેલ્લા એક વર્ષથી સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યા છે.'


ભારતે આ નિવેદન અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, ગુરુવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત સરકાર ચીન સાથે સંબંધો સુધારવા સકારાત્મક ધોરણે કામગીરી કરી રહ્યું છે. જેના માટે ચીનના નિયંત્રણ હેઠળના સ્થળોએ યાત્રાઓ ફરી શરુ કરવી, સીધી ફ્લાઇટ્સ અને પત્રકારોનું આદાનપ્રદાન સામેલ હશે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યા પછી દ્વિપક્ષીય સંબંધોને બેઇજિંગ કેવી રીતે જુએ છે તે અંગેના પ્રશ્નના જવાબમાં વાગ યીએ આ નિવેદન આપ્યું હતું. યીએ આગળ જણાવ્યું હતું કે, ‘ગતવર્ષે રશિયામાં કઝાન બેઠકમાં બંને દેશના વડાઓ વચ્ચે થયેલી વાતચીતો અને લેવાયેલા નિર્ણયોનું બંનેએ ગંભીરતાપૂર્વક પાલન કર્યું છે. તમામ સ્તરે તેનું આદાનપ્રદાન કરતાં વ્યવહારુ સહયોગને મજબૂત બનાવ્યો છે. જેના લીધે શ્રેણી બદ્ધ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.’ ભારત અને ચીને ગયા વર્ષના અંતમાં પૂર્વી લદ્દાખના બે ઘર્ષણ બિંદુઓ, ડેપ્સાંગ અને ડેમચોકમાંથી સૈનિકો પાછા ખેંચવા માટે કરાર કર્યા હતા. આ કરાર સાથે બંને દેશોના સંબંધોમાં ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલી અસ્થિરતાનો અંત આવ્યો છે.