ભારત ભડક્યું, કહ્યું-અલગતાવાદીઓને બ્રિટનમાં તબાહી મચાવવાનું લાઈસન્સ’

March 07, 2025

બ્રિટનમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરની સુરક્ષામાં ચુક થતા ભારત ભડકે બડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટાનાની કડક શબ્દોમાં ટીકા કરી છે. લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ જયશંકરની ગાડી સામે આવી વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારબાદ તેમની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠવા લાગ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘એવું લાગે છે કે, યુકેમાં રહેતા અલગતાવાદી તત્વોને તોફાન મચાવવાનું લાઈસન્સ અપાયું છે.’


રણધીર જયસ્વાલે અગાઉ પણ આવી બનેલી ઘટનાને યાદ કરીને કહ્યું કે, ‘તેઓ (ખાલિસ્તાની) અમારી કાયદેસરની રાજદ્વારી પ્રવૃત્તિઓમાં અચડણો ઉભી કરવાના ઉદ્દેશ્યથી ધમકીઓ, ડરાવનારી ઘટનાઓ અને અન્ય કાર્યવાહીઓ કરતા રહે છે, જેને અટકાવવામાં બ્રિટન ઉદાસીનતા દાખવે છે. એવું લાગે છે કે, બ્રિટનમાં આ શક્તિઓને ધમકીઓ અને અન્ય કામ કરવા માટેનું લાઈસન્સ મળ્યું છે. આ લોકો અમારી રાજદ્વારી પ્રવૃત્તિઓમાં અચડણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે. યુકે આ ઘટનાઓના દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરે. આ મુદ્દે બ્રિટનના વિદેશ કાર્યાલય દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જે અમે ધ્યાને લીધું છે.


વાસ્તવમાં લંડનમાં ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહેલા દેખાવકારોના ગ્રૂપમાંથી એક વ્યક્તિએ સુરક્ષા બંદોબસ્ત તોડ્યો હતો અને પછી તેણે જયશંકરની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ભારત નારાજ થતા યુકેના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. યુકેના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘વિદેશમંત્રી એસ.જયશંકરની યુકે યાત્રા દરમિયાન ચૈથમ હાઉસ બહાર જે ઘટના બની, તેની અમે કડક શબ્દોની ટીકા કરીએ છીએ. યુકે શાંતિપૂર્ણ વિરોધના અધિકારનું સમર્થન કરે છે, પરંતુ જાહેર કાર્યક્રમો હેઠળ ડરાવવાના, ધમકી આપવાના અથવા અચડણો ઉભી કરવાના કોઈપણ પ્રયાસનો સંપૂર્ણ અસ્વિકાર કરે છે.