તમારા રાજમાં મહિલાઓ ક્યાં ભણતી હતી - નીતિશ કુમાર

March 07, 2025

નાલંદા : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે વિધાનસભા અને વિધાન પરિષદમાં મહિલાઓ પર હિંસા મુદ્દે વિરોધ કરી રહેલા વિપક્ષનો ઉધડો લીધો હતો. તેમણે વિપક્ષની મહિલા નેતાઓને ઠપકો આપ્યો હતો, તેમજ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના પત્ની રાબડી દેવી તરફ ઇશારો કરતાં આરજેડીને ઘેરી હતી.


બિહારના નાલંદામાં મહિલાની બર્બર હત્યા મામલે વિપક્ષના નેતાઓ મહિલાઓ પર થઈ રહેલી હિંસા મુદ્દે વિધાનસભા અને વિધાન પરિષદમાં હોબાળો કરી રહ્યા હતા. આ વિરોધથી કંટાળી નીતિશ કુમારે વિપક્ષના નેતાઓને આડે હાથ લીધા હતા. તેમણે વિરોધ કરી રહેલા વિપક્ષની મહિલાઓને ધમકાવતાં કહ્યું, ‘તમે બેસી જાઓ, તમને કંઈ ખબર નથી. અગાઉની સરકારના રાજમાં મહિલાઓ ઉચ્ચ અભ્યાસ પણ મેળવી શકતી ન હતી. આરજેડી સરકારે મહિલાઓ માટે શું કર્યું? પ્રાથમિક શિક્ષણ બાદ તેમને આગળ ભણાવતા પણ ન હતા. નીતિશ કુમારે આરજેડીના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને પણ ઘેર્યા હતાં. તેમણે વિધાન પરિષદમાં રાબડી દેવી તરફ ઇશારો કરતાં કહ્યું કે, 'જ્યારે તેમના પતિ જેલમાં ગયા, ત્યારે તેમણે પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવી દીધા. આ સિવાય તેમણે મહિલાઓ માટે કર્યું છે શું? અમારી સરકારે તમામ મહિલાઓના ઉત્થાન માટે કામો કર્યા છે.'