'પહેલી અને છેલ્લી વાર ભૂલ કરી..., મહિલા આયોગ સામે રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી

March 07, 2025

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર રણવીર અલ્હાબાદિયાએ માફી માગી અને કહ્યું કે પહેલી અને છેલ્લી વાર ભૂલ કરી છે. રણવીરે યુ-ટ્યૂબના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં હાજરી આપી હતી. આ શોને સમય રાઇના દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. આ શોમાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ રણવીર સામે મહારાષ્ટ્ર સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે. આ માટે રણવીરે ધ નેશનલ કમિશન ફોર વિમેન સામે માફી માગી છે.
ન્યૂઝ એજન્સી ANI દ્વારા હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકર આ ઘટનાને ખૂબ જ અભદ્ર કહી રહ્યા છે. જનતા અને મહિલા કમિશન બન્ને માટે આ સ્વીકાર્ય નથી. આ વિશે વિજયા રહાટકરે કહ્યું કે, ‘શોમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અભદ્ર છે. કમિશન માટે આ ભાષા ક્યારેય સ્વીકાર્ય નથી. આ ભાષા જનતા હોય કે કમિશન, કોઈ માટે પણ સ્વીકાર્ય નથી. હું એનો વિરોધ કરું છું. સમાજ પર એની શું અસર પડે, એને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા તરત પગલાં લેવાયા હતા અને તેમને નોટિસ મોકલાઈ હતી.