AIની મદદથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે અમેરિકા

March 07, 2025

અમેરિકા હવે AIની મદદથી વિદ્યાર્થીઓના વિઝાને રદ કરી તેમને પોતાના દેશ મોકલવાની તૈયારી કરી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને Xની પોસ્ટ પર જે પણ ફોરેન સ્ટુડન્ટ્સ દ્વારા પેલેસ્ટિનિયન હમાસ મિલિટન્ટ્સને સપોર્ટ કરતી પોસ્ટ કરવામાં આવી હશે, તેમના વિઝા હવે રદ કરવામાં આવશે.


અમેરિકા દ્વારા હવે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ AI અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ધરાવતા હજારો વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરશે. એના પર એક પોસ્ટ હમાસને સપોર્ટ કરતી દેખાઈ તો એને શોધી કાઢશે. એ શોધ્યા બાદ તેમના પર પગલાં લેવામાં આવશે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે, ‘ટેરરિસ્ટને સપોર્ટ કરતાં હોય એવા વિદેશી વિદ્યાર્થીઓને હવે અમેરિકા સહન નહીં કરે. અમેરિકાના કાયદાનો ભંગ કરનાર અને ટેરરિસ્ટને સપોર્ટ કરનારા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરવામાં આવી શકે છે અથવા તો તેમને મળી ગયા હોય તો એને રદ્દ કરી ડિપોર્ટ કરવામાં આવી શકે છે.’


પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાન્યુઆરીમાં એક એક્સિક્યુટીવ ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો. આ ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા હવે નોન-સિટીઝન કોલેજ સ્ટુડન્ટ અને અન્યો જે અમેરિકાન વતની નહીં હોય એવા દરેક વ્યક્તિ જેમણે પ્રો-પેલેસ્ટિનિયન સપોર્ટમાં ભાગ લીધો હતો, તેમને શોધીને તેમના ઘર ભેગા કરવામાં આવશે. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધમાં આ સપોર્ટ અને પ્રોટેસ્ટ અમેરિકામાં જોવા મળી હતી.
આ માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટ જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી સાથે મળીને કામ કરશે. આ માટેનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા હાલમાં જ એક વિદ્યાર્થીના વિઝાને રદ્દ કરવામાં આવ્યા છે. આ માટે તેમણે કારણ આપ્યું હતું કે તે વિદ્યાર્થીએ હમાસને સપોર્ટ કર્યો હતો.