અમેરિકામાં રહેતા 1.34 લાખ બાળકોના પરિવારો પર સંકટ, ટ્રમ્પ સરકારના નવા નિયમોએ વધારી મુશ્કેલી

March 07, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ત્યાં રહેતા લાખો ભારતીયો સહિત અનેક દેશોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો વિરુદ્ધ ટ્રમ્પ સરકારે મોટાપાયે અભિયાન શરૂ કરી તેમનો દેશનિકાલ કરી રહ્યા છે, જેમાં ભારતીયો પણ સામેલ છે. જોકે હવે ટ્રમ્પના નિર્ણય બાદ માત્ર ગેરકાયદે રહેનારાઓ જ નહીં, તે કાયદેસર રહેતા ભારતીયો પર પણ સંકટમાં આવી ગયું છે, જેઓ H-4 વિઝા ધારક છે.

વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ઈમિગ્રેશન નીતિમાં અનેક ફેરફાર કર્યા છે, જેના કારણે લાખો લોકોના ભવિષ્ય પર ખતરો ઉભો થયો છે. H-1B વિઝા ધારકો અને તેમના બાળકો અગાઉ અમેરિકાના કાયમી વસવાટ કરવા માટે આગળ વધી રહ્યા હતા, જોકે ટ્રમ્પના નવા નિયમોના કારણે તેઓ પડકારોનો સામનો કરી રહ્યા છે.

અમેરિકાનો H-1B વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. વિદેશી નાગરિક આ વિઝાથી ત્યાં કેટલાક વર્ષો સુધી કાયદેસર કામ કરી શકે છે. જોકે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિઝા પોલિસી અને ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેમાં H-1B વિઝા ધારકોના બાળકોને મળનારી સુરક્ષા હટાવી દેવાઈ છે.

અગાઉ H-1B વિઝા ધારકોના બાળકોને આશ્રિત ગણવામાં આવતા હતા. અમેરિકામાં જન્મેલા આ બાળકોને અમેરિકી નાગરિકતા મળી જતી હતી, જોકે હવે આ નિયમ ખતમ કરી દેવાયો છે, જેના કારણે હજારો ભારતીય અપ્રવાસી પરિવારોનું સપનું તૂટી ગયું છે.

H-4 વીઝા એટલે શું?

અમેરિકામાં રહેતા H1-B વિઝા ધારકોના 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને H-4 વીઝા આપવામાં આવે છે, પરંતુ યુએસ ઈમિગ્રેશનના નવા નિયમો મુજબ, H-4 વિઝા ધારકો 21 વર્ષની ઉંમરના થયા પછી H1-B વિઝા ધારકોના આશ્રિત તરીકે ઓળખાશે નહીં. અત્યાર સુધી આ બાળકોને બીજા વિઝાનો દરજ્જો મેળવવા માટે બે વર્ષનો સમય મળતો હતો, પરંતુ નવા નિયમોને કારણે આવા લાખો બાળકોનું ભવિષ્ય જોખમમાં છે.

2023ના સરકારી ડેટા મુજબ, લગભગ 1.34 લાખ ભારતીય બાળકોના પરિવારને ગ્રીન કાર્ડ મળવાની આશા હતી. જોકે હવે તેમની ઉંમર મર્યાદા સમાપ્ત થયા પહેલા વીઝા સ્ટેટસ ખતમ થવાની સ્થિતિમાં છે. નવા નિયમના કારણે હવે આ બાળકોને ‘સેલ્ફ ડિપોર્ટેશન’નો ડર સતાવી રહ્યો છે. આવા બાળકોના માતા-પિતાના ગ્રીન કાર્ડની અરજીની લાંબી વેઈટિંગ લિસ્ટ છે, જે 12 વર્ષથી 100 વર્ષ સુધીની હોઈ શકે છે. આ કારણે પણ આવા લોકોની મુશ્કેલી વધી ગઈ છે.

ટેક્સાસની એક કોર્ટે તાજેતરમાં જ ડિફર્ડ એક્શન ફૉર ચાઈલ્ડહુટ અરાઈવલ્સ (DACA) હેઠળ નવા અરજદારોને વર્ક પરમિટ આપવાનું અટકાવી દીધું છે. DACA તે અપ્રવાસી બાળકોને બે વર્ષની અસ્થાયી સુરક્ષા આપતું હતું, જેઓ દસ્તાવેજો વગર અમેરિકા આવ્યા હતા. હવે આ બાળકો 21 વર્ષની ઉંમર બાદ પોતાના માતા-પિતાના આશ્રિત વિઝામાંથી બહાર થઈ જશે, તેથી આવી સ્થિતિ ભારતીય અપ્રવાસી યુવાઓ માટે ચિંતાજનક છે.