અમારી સાથે ખરાબ વર્તન કર્યું...' ડોનાલ્ડ ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયનનું ટેન્શન વધાર્યું

February 03, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ બન્યા બાદ વૈશ્વિક સ્તર પર ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે હવે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) પર ટેરિફ લગાવવાની વાત કરી છે. વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તમે યુરોપિયન યુનિયન પર ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યા છો. આના પર ટ્રમ્પે કહ્યું, 'શું હું યુરોપિયન યુનિયન પર ટેરિફ લગાવવા જઈ રહ્યો છું? તમને સાચો જવાબ જોઈએ છે કે રાજકીય જવાબ? યુરોપિયન યુનિયને અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે.' તમને જણાવી દઈએ કે 2018માં પ્રમુખ પદ પર રહેતા ટ્રમ્પે યુરોપિયન યુનિયનમાંથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પર ટેરિફ લગાવી દીધો હતો. ત્યારબાદ EUએ પણ એ વ્હિસ્કી અને મોટરસાઈકલ સહિત અમેરિકન ઉત્પાદનો પર પણ ટેરિફ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ પહેલા ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકો સહિતના પડોશી દેશો પર 25-25% ટેરિફ લગાવ્યો હતો. પરંતુ ટ્રમ્પના આ નિર્ણય પર કેનેડા અને મેક્સિકોએ પણ તેના જવાબમાં ટેરિફની જાહેરાત કરી છે. તેથી ચીને વિશ્વ આરોગ્ય સંગઠનમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કરવા કહ્યું છે. કેનેડાએ અમેરિકન ટેરિફ પર જવાબી કાર્યવાહી કરતા 155 અબજ ડોલરના અમેરિકી આયાત પર 25% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. કેનેડાના કાર્યકારી વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આનું એલાન કર્યું છે. ટ્રમ્પની જાહેરાત બાદ તરત જ એક ટ્વીટમાં ટ્રુડોએ કહ્યું કે, અમે ટૂંક સમયમાં મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શીનબામ સાથે વાત કરીશું અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પોતાના કેબિનેટ સાથે પહેલા જ મુલાકાત કરી ચૂક્યા છીએ.  મેક્સિકોએ પણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો જવાબ ટેરિફ લગાવીને આપ્યો છે. મેક્સિકન પ્રમુખ ક્લાઉડિયા શીનબામે કહ્યું કે, યુનાઈટેડ સ્ટેટ્સે મેક્સિકન ઉત્પાદનો પર ટેરિફ લગાવ્યા બાદ મેં મારા અર્થતંત્રના મંત્રીને મેક્સિકોના હિતોનું રક્ષણ કરવા માટે ટેરિફ લગાવવાનો આદેશ આપ્યો છે.