મસ્ક ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશ્યન્સીના વડા છે, તે વિભાગની ઓફીસોમાં જ બેડરૂમ બનાવી દીધો છે

February 01, 2025

વોશિંગ્ટન : ટેસ્લા અને X ના સીઇઓ એલન મસ્ક હવે પોતાનાં નવાં કામમાં ડૂબી ગયા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેઓને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યન્સી વિભાગના વડા બનાવ્યા છે. તેની ઓફીસ વ્હાઈટ હાઉસની પાસે જ છે. તેમાં તેઓ તેમનો પૂરો સમય આપે છે. ઓફીસમાં જ તેમણે બેડરૂમ બનાવી દીધો છે. તેઓ જે કામ હાથમાં લે છે, તે પૂરી લગનથી પૂરૂં કરે છે. તેઓએ ટ્વિટર ખરીદ્યું તેનું નવું નામ ઠ રાખ્યું ત્યાં પણ તેઓએ એક ખંડને બેડરૂમ બનાવી દીધો હતો. મસ્કની નવી ઓફીસ આઇઝન હોવર એક્ઝીક્યુટિવ ઓફીસનાં બિલ્ડીંગમાં છે. જે વ્હાઈટ હાઉસથી થોડાં ડગલાં જ દૂર છે. ટ્રમ્પે પહેલાં તેઓ માટે વ્હાઈટ હાઉસમાં જ લિંકન રૂમમાં ઓફીસ રાખવા કહ્યું હતું. ત્યાં રાત્રે સુવા માટેની પણ વ્યવસ્થા કરી આપવાની હતી. પરંતુ વ્હાઈટ હાઉસમાં રહે તો, રહેણી-કરણીના ચોક્કસ નિયમો પાળવા પડે તે સહજ છે. આથી તેઓએ તેમની ઓફીસ વ્હાઈટ હાઉસથી થોડે દૂર રાખી છે. મસ્ક બહુ મહેનતુ માનવામાં આવે છે. કોઈ પણ કામમાં ધૂન લગાવી જોડાઈ જવું તે મસ્ક માટે નવી વાત નથી. તેઓ સમયનો જરા પણ દુર્વ્યય કર્યા સિવાય કાર્યરત રહે છે. ટેસ્લાના પ્રાંરભનાં દિવસોમાં તો તેઓ ફલોર ઉપર પથારી રાખી સૂઈ રહેતા હતા. ૨૦૨૨માં એક ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું હતું કે, તેઓ આમ એટલા માટે કરે છે કે તેઓની મહેનત કર્મચારીઓ જોઈ શકે, તેથી તેઓ પણ વગર કહે, મહેનત કરવા પ્રેરિત થાય, અને કર્મચારીઓ સાથે સંબંધો મજબૂત બને, તેઓ મન લગાવી કામ કરે.