કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું: મોદીનો સોનિયા ગાંધીને જવાબ

January 31, 2025

દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાને રાખી તમામ પક્ષોના નેતાઓ અને ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ જ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી હતી, જેમાં તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી  પર આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ને પુઅર લેડી એટલે કે બિચારી મહિલા કહેવા મુદ્દે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિ મુર્મૂનું અપમાન કર્યું છે.

વડાપ્રધાને કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, ‘આપણા સન્માનનિય રાષ્ટ્રપતિએ આજે સંસદમાં સંબોધન કર્યું હતું. તેમણે વિકસીત ભારતના વિઝન અંગે માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાના જંગલોમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા છે. તેમની માતૃભાષા હિંદી નથી, પરંતુ તેઓ ઉડિયા ભાષા બોલીને મોટા થયા છે. તેમની માતૃભાષા હિન્દી નથી, છતાં તેમણે સંસદમાં શ્રેષ્ઠ સંબોધન કર્યું. જોકે કોંગ્રેસનો શાહી પરિવાર તેમનું અપમાન કરી રહ્યો છે.’