સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ધાર્મિક સરઘસ પર રોક

January 31, 2025

સોમનાથ : સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યું હતું. ત્યારબાદ ધાર્મિક સરઘસને મંજૂરી આપવા માટે અરજદારે દાદ માગી હતી. જો કે, રાજ્ય સરકારે અરજીનો સખત વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોમનાથમાં માળખું જ અસ્તિત્વમાં નથી તો ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેના ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી. તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા અનઅધિકૃત બાંધકામો પર આગામી 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી માટે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.


રાજ્યના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સરકારી જમીનો પર બનેલા મંદિરો સહિત તમામ અનઅધિકૃત બાંધકામો પરના દબાણો દૂર કરાયા હતા. જો કે, આ જગ્યા સરકારની છે અને અહીં કોઈ પ્રકારે ધાર્મિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિને મંજૂરી નથી. જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે નોંધ લીધી હતી.