ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનું પહેલું પોલીસ સ્ટેશન શરૂ, GUJCTOC હેઠળ પહેલી ફરિયાદ નોંધાઈ

January 31, 2025

10 શખ્સોની ગેંગ વિરૂદ્ધ GUJCTOC હેઠળ ગુનો દાખલ


ગાંધીનગર- ગુજરાત પોલીસ ભવન ગાંધીનગર ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, સ્ટેટ મોનિટરિંગ સેલનું પ્રથમ પોલીસ સ્ટેશન આજે શુક્રવારથી કાર્યરત કરાયું. જેમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (GUJCTOC) હેઠળનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. DGP વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ એક ગુનો નોંધવામાં આવ્યો. જેમાં ગુજરાત રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લાઓમાં સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતો આશીષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ, વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સીંધી ઉદવાણી સહિત 10 શખ્સોની ગેંગ વિરૂદ્ધ GUJCTOCની જોગવાઈ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 
દાખલ કરાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, આ ગેંગના શખ્સો દ્વારા રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરા કરીને વેચાણ કરતાં હતા. જેમાં આરોપી વિરૂદ્ધમાં આઈપીસીની 419, 420, 467, 471 સહિતની કલમ હેઠલ ગુનો દાખલ કરાયો. છેલ્લા 10 વર્ષમાં આ ગેંગ વિરૂદ્ધમાં 16 જેટલાં ગુનાઓમાં કોર્ટે ન્યાયીક નોંધ લઈને તહોમતનામુ ફરમાવવામાં આવ્યું. જ્યારે આ ગેંગના તમામ સભ્યો વિરૂદ્ધમાં કુલ 500થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.