દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે વિપક્ષના સરકાર પર પ્રહાર, ભાજપે ઘટનાને વખોડી

January 31, 2025

દાહોદ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં મણિપુર જેવી ઘટના ઘટી. એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, ત્યારે પોલીસે ગુનો નોંધીને 12 જેટલાં શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા છે. જેમાં મનીષ દોશી, ઇસુદાન ગઢવી, ચૈતર વસાવા સહિત ભાજપના ઋષિકેષ પટેલ અને અન્ય નેતાઓ સમગ્ર ઘટનાને વખોડી કાઢતાં તટસ્થ કાર્યવાહીની માગ કરી.


દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. જેને લઈને ઇસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી કહ્યું કે, 'ગુજરાતમાં પણ મણિપુર જેવી ઘટના બની. દાહોદના સંજેલીમાં એક મહિલાને અર્ધનગ્ન કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું. કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે. મણિપુરની જેમ જ ગુજરાતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આપણે શું કરી રહ્યા છીએ. ચૂંટણી લડવી, જીતવી એક અલગ વાત છે. પરંતુ ગુજરાતની જનતાને ન્યાય અને સુસંગત વ્યવસ્થા આપવી એ અલગ વાત છે. મુખ્યમંત્રી, ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવુ જોઈએ. આ કાળજું કંપાવનારી ઘટના છે.'
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ દાહોદના સંજેલીની ઘટનાને લઈને સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, 'સામાન્ય લોકોના વરઘોડા કાઢી સરકાર વાહવાહી લૂંટે છે. જો કે, તટસ્થ કાર્યવાહી થવી જોઈએ. આ ઘટના વિકાસની બાંગો ફૂકનાર ભાજપની નિષ્ફળતા છતી કરે છે. હું સરકારને અપીલ કરું છું કે વાહવાહી લૂંટવાની જગ્યાએ તટસ્થ કાયદાકીય વ્યવસ્થા બનાવો. જેથી અસામાજિક તત્ત્વોમાં કાયદોનો ડર બેસે.'