રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન સાધ્યું, ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાંખે છે

January 28, 2025

ભાજપના ધારાસભ્યે નિવેદન આપ્યું પણ કોઈના નામ બોલવાની હિંમત ના ચાલી 


જામકંડોરણા : જામકંડોરણામાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાયેલા 511 દિકરીઓના સમુહ લગ્ન પ્રસંગે વધુ એક વાર, ભાજપના ધારાસભ્ય, રાજ્યના પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ ઉચ્ચાર્યા વગર તેમના પર નિશાન તાકીને ઉભરો ઠાલવ્યો હતો અને કહ્યું કે, 'અમારા સમાજના બે-પાંચ ટકા લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાંખે છે અને સોશ્યલ મીડિયા પર આ ટોળકી મને પાડી દેવાના પ્રયાસો કરે છે.'

પાટીદર અગ્રણીઓ સહિત વિશાળ, મેદનીને તેમણે જણાવ્યું કે આપણા સમાજની બે ટકાની ટપોરી ગેંગ જ્યાં સારુ કામ સમાજ માટે થતું હોય ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. મોબાઈલમાં કોઈ પણ સારુ કામ થતું હોય તો ખરાબ કોમેન્ટ લખીને લેઉઆ પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આ ટોળકી કરી રહી છે. 
આ અંગે વધુમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, 'હું રાજકીય માણસ છે પણ હું સમાજનું કામ પણ કરું છું. એ ટોળકીના લોકો રાજનીતિમાં નથી છતાં આજે પણ એક યા બીજી રીતે સમાજની અંદર રાજનીતિ કરી રહ્યા છે. મારે લેઉઆ પટેલ સમાજનો નેતા ક્યારેય થવું નથી. મને પાડી દેવાના કાયમી પ્રયાસો થાય છે. આ ટોળકીના લોકો સુધરશે તેવી આશા ખોટી ઠરી છે. મારા સમાજના લોકો જ અહીં આટલી મેદની ભેગી થાય ત્યારે મને કેમ પાડી દેવો તેના ચોગઠાં ગોઠવાય છે.' 

આ નિવેદનના પગલે પાટીદારના બે નેતાઓ વચ્ચેનો ખટરાગ ચરમસીમાએ પહોંચ્યાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન કરાવવા દિલિપ સંઘાણીએ અગાઉ પ્રયાસો કર્યા હતા જે નિષ્ફળ રહ્યા છે. જો કે રાદડિયા આ વખતે પણ કોઈ નેતાનું નામ ઉચ્ચારવાની હિંમત કરી શક્યા નથી. તો રાજકોટમાં એક પાટીદાર નેતાએ જયેશ રાદડિયાને ભાજપના જ નેતાઓ પાડી દેવાના પ્રયાસો કરી રહ્યાનું જણાવ્યું હતું. તો સમાજના નેતાને ટપોરી ગેંગ કહીને વખોડનાર રાદડિયા પોતે પાયલ ગોટીના મુદ્દે કેમ ચૂપ રહ્યા હતા તે સવાલ પણ સમાજમાં ઉઠ્યો છે.