એક સપ્તાહમાં 800ના મોત: આફ્રિકાના ગોમા શહેરમાં સેના અને બળવાખોરો વચ્ચે ભીષણ અથડામણ

February 02, 2025

: સેન્ટ્રલ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ગોમા શહેરમાં નરસંહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહમાં આ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 773 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક વધવાની ભીતિ છે. આ મોત પાછળનું કારણ બળવાખોરો દ્વારા થયેલો હુમલો છે. 
કોંગોની સેનાની પાડોશી દેશ રવાંડા સમર્થિત બળવાખોરો (M23 જૂથ) સાથે થયેલી લડાઈમાં 773 લોકોના મોત થયા છે. આ બળવાખોરોએ એક દાયકાના સંઘર્ષમાં શહેર પર કબજો જમાવ્યો છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના આરોગ્ય મંત્રાલયે 1 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, M23 બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ 30 જાન્યુઆરી સુધી 773 મૃતદેહ મળી આવ્યા હતા. આ હુમલામાં 26 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે 2,880 લોકો ઘાયલ થયા હતાં. ગોમા એ ડીઆરસીના પૂર્વ ભાગમાં આવેલું સૌથી મોટું શહેર અને ઉત્તર કિવુ પ્રાંતની રાજધાની છે. આ શહેર સોના, કોલ્ટન અને ટીનની ખાણો માટે જાણીતું છે. આ અઠવાડિયે બળવાખોર જૂથ M23એ તેના પર કબજો કરી લીધો હતો.
સ્થાનિક રહેવાસી જીન માર્કસે જણાવ્યું હતું કે, M23 એ પાણી અને વીજળી સહિતની મૂળભૂત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનું વચન પણ આપ્યું હતું. આવી સ્થિતિમાં, 1 ફેબ્રુઆરીએ, ગોમાના સેંકડો રહેવાસીઓ શહેરમાં પાછા ફરતા જોવા મળ્યા હતા. તેઓએ કાટમાળ અને લોહીથી લથબથ વિસ્તારોને સાફ કર્યા હતાં. માનવતાવાદી સંસ્થાઓ ગોમા શહેરમાં (ભારે લડાઈ વચ્ચે) રાહત કાર્ય કરી રહી છે. તેઓએ હોસ્પિટલોને મદદ કરી અને રાહત પૂરી પાડી છે. આ સંસ્થાઓને કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અને તેમના કર્મચારીઓને પણ અસર થઈ હતી.