કોંગ્રેસે બનાવી 'EAGLE' ટીમ: ચૂંટણી પરિણામ અને મતદાર યાદીમાં ગરબડની ફરિયાદો પર કરશે તપાસ

February 03, 2025

: દેશમાં ફ્રી અને નિષ્પક્ષ ચૂંટણીના મુદ્દાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 'EAGLE' ટીમની રચના કરી છે. EAGLE એટલે  Empowered Action Group of Leaders and Experts.(નેતાઓ અને નિષ્ણાતોનું સશક્ત કાર્ય ગ્રુપ ) આ ટીમ દરેક ચૂંટણી પરિણામો અને મતદાર યાદીઓનું વિશ્લેષણ કરશે અને પક્ષના નેતૃત્વને રિપોર્ટ સુપરત કરશે. 'EAGLE' ને આપવામાં આવેલું પહેલું કાર્ય મહારાષ્ટ્ર ચૂંટણીઓ સંબંધિત છે, જ્યાં તેઓ મતદાર યાદીમાં છેડછાડના મુદ્દે હાઇકમાન્ડને વિસ્તૃત રિપોર્ટ સોપશે. 
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા એક જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષે ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓના સંચાલન પર દેખરેખ રાખવા માટે તાત્કાલિક અસરથી નેતાઓ અને નિષ્ણાતોના એક સશક્ત કાર્યકારી જૂથ ની રચના કરી છે. જેમાં આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે આ સમિતિ સૌપ્રથમ મહારાષ્ટ્રની મતદાર યાદીમાં થયેલી છેડછાડનો મુદ્દો ઉઠાવશે અને શક્ય તેટલી વહેલી તકે નેતૃત્વને વિગતવાર અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત 'EAGLE'અન્ય રાજ્યોમાં અગાઉની ચૂંટણીઓનું પણ વિશ્લેષણ કરશે અને આગામી ચૂંટણીઓ અને દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સંબંધિત અન્ય તમામ મુદ્દાઓનું સક્રિયપણે નિરીક્ષણ કરશે.