મહાકુંભમાં હજારો લોકો મર્યા: ખડગેના નિવેદન પર સંસદમાં હોબાળો, ધનખડે નિવેદન પાછું લેવા કહ્યું

February 03, 2025

મહાકુંભમાં નાસભાગ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તે હવે સંસદ સુધી પહોંચી ગયા છે. વિપક્ષી સાંસદોએ મહાકુંભ નાસભાગ મામલે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે મહાકુંભમાં તાજેતરમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. ખડગેના આ દાવા પર ગૃહમાં હોબાળો થયો અને અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું.

આ મામલે પીટીઆઈના જણાવ્યા અનુસાર ખડગે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઉપલા ગૃહમાં ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'તાજેતરમાં મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા.' તેમના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે, 'આ મારો અંદાજ છે અને જો તે સાચો નથી તો તમારે સરકારે જણાવવું જોઈએ કે સાચો આંકડો શું છે.'

આ મામલે ખડગે વધુમાં કહ્યું કે, 'મેં કોઈને દોષ આપવા માટે 'હજારો' નથી કહ્યું. પરંતુ ઓછામાં ઓછા કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી આપો. જો હું ખોટો હોઉં તો હું માફી માંગીશ. તેઓએ કેટલા લોકો માર્યા ગયા અને કેટલા ગુમ થયા તેના આંકડા આપવા જોઈએ.'

29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે સ્નાન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 30 લોકોના મોત થયા છે. ખડગેએ કહ્યું, 'હું મહાકુંભમાં માર્યા ગયેલા લોકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું...કુંભમાં માર્યા ગયેલા 'હજારો' લોકોને.' જેના પગલે શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો.

ચેરમેન ધનખડે ખડગે તેમનું નિવેદન પાછું લેવાની અપીલ કરી હતી. ધનખડે કહ્યું, 'વિપક્ષના નેતાએ હજારોની સંખ્યામાં આંકડા આપ્યા છે... હું તેમને અપીલ કરું છું કે આ ગૃહમાં જે પણ કહેવામાં આવે છે તેનું ખૂબ મહત્ત્વ છે. તમે કંઈક એવું કહ્યું જેનાથી બધા ચોંકી ગયા. અહીંથી જે સંદેશ જાય છે, તેનું ખંડન થાય તો પણ આખી દુનિયામાં પહોંચે છે.'

ખડગેએ કહ્યું કે તેમણે આ આંકડો કોઈને દોષ આપવા માટે આપ્યો નથી. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમણે આધુનિક ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.