'મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત નિષ્ફળ રહ્યું, PM એ પ્રયાસ કર્યા પણ નિષ્ફળ રહ્યાં...' : સંસદમાં રાહુલ ગાંધી

February 03, 2025

સંસદના બજેટ સત્રમાં ત્રીજા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ મુદ્દે ચર્ચા થઈ. ભાજપના સાંસદ રામવીર સિંહ બિધૂરીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી હતી. હવે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકારને આડેહાથ લીધી હતી. રાહુલ ગાંધીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર કહ્યું કે તેમાં કંઈ જ નવું નહોતું. અમે એવું વિચારી રહ્યા હતા કે ઈન્ડિયા ગઠબંધનની સરકાર હોત તો રાષ્ટ્રપતિનું અભિભાષણ કેવું હોત. રાષ્ટ્રપતિ મુર્મૂના ભાષણમાં બેરોજગારીનો કોઈ ઉલ્લેખ નહોતો. વડાપ્રધાન મોદીએ મેક ઈન ઈન્ડિયાની જે વાત કરી છે તે આઈડિયા સારો છે પણ મોદી સરકાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નિષ્ફળ રહી છે. અમે વડાપ્રધાન પર દોષ નથી મઢી રહ્યા, પીએમએ પ્રયાસ કર્યા છે, આઈડિયા સારો હતો પણ તે નિષ્ફળ ગયા.  રાહુલ ગાંધીએ કહ્યું કે મેન્યુફેક્ચરિંગ 60 વર્ષમાં સૌથી નીચા સ્તરે છે. મેક ઇન ઇન્ડિયાનો ઉલ્લેખ કરતા તેમણે ફોન બતાવ્યો અને કહ્યું કે ભલે આપણે કહીએ છીએ કે આ મોબાઇલ ભારતમાં બનેલો છે પણ હકીકત એ છે કે તે ફક્ત અહીં એસેમ્બલ થયો છે. તેના પાર્ટ્સ તો ચીનથી આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયા બદલાઈ રહી છે, આપણે પેટ્રોલિયમથી બેટરી અને પરમાણુ ઊર્જા તરફ આગળ વધી રહ્યા છીએ. દરેક વસ્તુ બદલાઈ રહી છે. છેલ્લે જ્યારે ક્રાંતિ થઇ હતી ત્યારે ભારત સરકારે કમ્યુટર ક્રાંતિને ભાળી લીધી હતી અને ફોકસ કર્યું હતું. આજે તેના પરિણામ દેખાઈ રહ્યા છે. લોકો હસતા હતા જ્યારે કમ્યુટર લવાયું હતું. વાજપેયીનું હું સન્માન કરું છું પણ તે પણ કમ્યુટરની વિરુદ્ધમાં હતા. યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે છતાં ઈલેક્ટ્રિક મોટર અને એન્જિન ત્યાં બને છે. રોબોટથી લઇને ડ્રોન સુધીનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ એઆઈ મુદ્દે ચર્ચા કરી. તેમણે કહ્યું આજે બધા એઆઈ વિશે વાત કરે છે. એઆઈ ડેટા દ્વારા ઓપરેટ થાય છે. વગર ડેટાએ એઆઈ કંઇ જ નથી. પણ સવાલ એ છે કે એઆઈ કયો ડેટા વાપરે છે. ભારત પાસે કોઈ ડેટા નથી. તે કાં તો ચીન કે પછી અમેરિકાના ડેટાનો ઉપયોગ કરે છે.  રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારને દુનિયામાં થઈ રહેલા પરિવર્તનોની જાણ નથી. આપણે પ્રાથમિક શિક્ષણના લેવલથી જ બેટરી અને એન્જિન વિશે બાળકોને શીખવાડવાનું શરૂ કરવું જોઇએ. આ મામલે ચીન આપણા કરતાં 10 વર્ષ આગળ છે. આપણે તેનાથી ઘણા પાછળ છીએ. આપણી પાસે બચત અને વપરાશનો ડેટા પણ નથી. ચીન પર ભારતીય જમીન પર કબજો કરવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમએ તેને નકારી કાઢ્યું પરંતુ સેનાએ કહ્યું કે ચીને 4,000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો છે. આ અંગે વાંધો વ્યક્ત કરતાં શાસક પક્ષના સાંસદોએ વિરોધ કર્યો અને કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. રાહુલ ગાંધીએ આવું ન કહેવું જોઈએ, આ દેશ માટે સારું નથી.