હરિયાણા ભાજપમાં ભડકો? દિગ્ગજ નેતા અનિલ વિજે મુખ્યમંત્રીને ગદ્દાર...ગદ્દાર...ગદ્દાર... કહ્યાં!

February 03, 2025

હરિયાણાના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજ આજકાલ ભાજપના જ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીથી ખૂબ નારાજ દેખાઈ રહ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર સૈની વિરુદ્ધ જોરદાર મોરચો ખોલ્યો છે. અનિલ વિજે ચૂંટણી દરમિયાન પણ ભાજપની અંદર થતી ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અનિલ વિજના આકરા પ્રહાર... 
અનિલ વિજે ફરી એકવાર અવાજ ઉઠાવતા આ મુદ્દો તાજો થઈ ગયો છે. અનિલ વિજે સોશિયલ મીડિયા પર આશિષ તયાલ અને નાયબ સિંહ સૈનીની તસવીરો શેર કરીને કહ્યું કે, આશિષ તયાલ પોતાને નાયબ સૈનીનો મિત્ર કહે છે. તેમના ઘણા ફોટા ફેસબુક પર પણ હાજર છે. જે કાર્યકરો તાયલ સાથે જોવા મળ્યા હતા તે જ કાર્યકરો ભાજપ વિરોધી ઉમેદવાર ચિત્રા સરવરા સાથે પણ જોવા મળ્યા હતા. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?' તેમણે ફોટો નીચે "ગદ્દાર...ગદ્દાર...ગદ્દાર..." પણ લખ્યું. અનિલ વિજે X પર પોસ્ટમાં લખ્યું કે, 'આશિષ તયાલ, જે પોતાને નાયબ સૈનીનો મિત્ર કહે છે, તેના ફેસબુક પર નાયબ સૈની સાથે ઘણી તસવીરો છે.' તયાલ આજે પણ નાયબ સૈનીના નજીકના મિત્ર છે, તેથી પ્રશ્ન એ ઊભો થાય છે કે ભાજપના ઉમેદવારનો વિરોધ કોણે કર્યો? ઉલ્લેખનીય છે કે, અનિલ વિજ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સૈની સામે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તેમણે મીડિયા સામે સૈની વિરુદ્ધ ઘણા નિવેદનો પણ આપ્યા છે. વિજે કહ્યું કે, આ સરકારમાં તેમનો અવાજ સાંભળવામાં આવતો નથી અને તેમને હાંસિયામાં ધકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો જરૂર પડશે તો હું ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની જેમ આમરણાંત ઉપવાસ કરીશ. જ્યારથી સૈની મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી ઉડન ખટોલા પર સવાર છે અને તેમને લોકોના દુઃખનો અહેસાસ પણ નથી.